કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ચાડિયો
આ એક ખેતર છે.
એમાં બધે વાવેતર છે.
એની વચોવચ ચાડિયો છે.
દૂરથીય દેખાય એવો તો એ જાડિયો છે.
સામે શેઢે ઢોર ચરે
એ જોઈ ચાડિયાના મનમાં એમ ઠરે કે
એ બધાં તો મારી રખેવાળી કરે.
ખુશ થઈ થઈ એ તો હવામાં તરે,
ને વાંસની સાથે વળગી રહે.
પંખીને ડરાવે,
સસલાને તો શું હરણનેય ભડકાવે.
એમ જ માને
કે પોતે આ વાવેતર પર રાજ કરે.
પણ પછી તો ઊડી ગયાં તેતર,
સુકાયા છોડ ને જતાં રહ્યાં ઢોર.
રહ્યો ચાડિયો તે પડતર પર જોર કરે.
કહે, જુઓ, આ વાદળ તો આવે ને જાય,
હું તો અહીંનો અહીં રહું.
આવો, તમને મારા અમલની વાત કરું.
એની આછીપાતળી વાત વાદળ સાંભળી જાય,
તેથી વરસાદ ન થાય.
ચાડિયો એથી રોજ રાજી થાય.
પવન આવે તો પોતાનાં જ ગાણાં ગાય.
એકવાર આંધીની બીકે મોર આવ્યો.
ચાડિયાને એનો સાથ ન ફાવ્યો.
પોતે તો ઊંચો, એમ કંઈ અડવા દે?
મોરને એના મનની વાત તે કંઈ કરવા દે?
એ તો બિચારો અટવાતો અથડાતો દૂર ગયો.
હિંમત કરી એક ઠૂંઠા ઝાડ પર ચઢ્યો.
દુઃખી થઈ મેઘરાજાને એવો વઢ્યો.
કે બીજી જ ક્ષણે વાદળોએ સૂરજને મઢ્યો.
ચાડિયો પવનમાં ગુમાનથી ઝૂલ્યો,
ત્યાં મોરના બીજા ટહુકે વરસાદ થયો.
ચાડિયો હતો ત્યાં ભીંજાતો રહ્યો,
લથબથ ગોથાં ખાતો રહ્યો,
પછી તો પાણી ભેગો અહીં ગયો, તહીં ગયો.
ઠેર ઠેર ફાટ્યોતૂટ્યો રહી ગયો.
છેવટે ખાતર ભેગો માટીના ખોળામાં સૂઈ ગયો.
જાગે ત્યાં તો એ જાતે જ એક છોડ થયો.
એ પછી એણે આ આખો ઇતિહાસ
પેલા મોરને ખુલ્લા દિલે કહ્યો.
૧૯૭૪
(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૩૪-૩૫)