કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/અમે આટલે આવ્યાં
Jump to navigation
Jump to search
૪૬. અમે આટલે આવ્યાં
અમે આટલે આવ્યાં ધીરે ચાલી.
સવારના અજવાળે અમને ધૂળ ધરાની વ્હાલી.
શૈશવમાં સાબરનાં જળમાં ગતિ જોઈ હોડીની,
અમે કેળવી માયા રમતાં સારસની જોડીની,
ઝાકળમાં મોતીની આભા તુલસી પર શોધેલી,
પંખીના માળામાં છાયા આંબાની પોઢેલી,
અંધારે તારક સંગી – અમ આભ કદી ના ખાલી. અમેo
અંતરાય આવેલા અગણિત બહારથી અંદરથી,
અમે કોઈને જાકારો ના દીધ નાનકા ઘરથી,
મારું તારું કે ઉધારનું – ખરાખરી ના ગમતી,
દુ:ખની પળમાં સુખની યાદે પાંપણ ભીની નમતી,
આજ આપણી, કાલ પ્રભુની, એની કૃપા નિરાલી,
અમે આટલે આવ્યાં ધીરે ચાલી.
૩-૫-૮
(સહજીવનની અડધી સદીએ)
(ધરાધામ, ૨૦૧૪, ૨૦)