કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/વહેતાં વૃક્ષ પવનમાં
Jump to navigation
Jump to search
નીલ ગગન પર્વત નીંદરમાં
ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.
યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
રમે તરવરે સચરાચરમાં;
ધરી સૂર્યનું તિલક પાર્વતી
સજે પુષ્પ કાનનમાં. ખળખળ વહેતાંo
શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં;
વરસ્યા બારે મેઘ ઝળૂંબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
લાસ્ય ચગે ત્રિભુવનમાં. ખળખળ વહેતાંo
૧૯૮૦
(વહેતાં વૃક્ષ પવનમાં, ૧૯૮૪ પૃ. ૧)