કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/‘બચાવનામું’માંથી અંશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૫. ‘બચાવનામું’માંથી અંશ

સત્ય રામનું, પ્રેમ કૃષ્ણનો, વિરાગ શિવનો,
વ્યાસે કર્યો સમાસ સકલ સંસારી જીવનો.

ગોરખ કબીર ગાલિબ ગાતા શબદ અલખનો,
બુદ્ધનયનમાં કરુણા કૉળે, સ્વર આર્જવનો.

આખા ગામે એક હોય તુલસીનો ક્યારો,
અડાબીડ વન, છોડ એક ચંદન છેવાડો.

વિતથભર્યો વંટોળ વિશ્વમાં ઝળૂંબવાનો,
દીવો થાય ના રાણો, શબદ ધરું હું આડો.

બ્રહ્મ અને બ્રહ્માંડ વિશે ઝાઝું ના જાણું,
ઝાકળમાં પ્રતિબિંબ સૂર્યનું પડતું – માણું.

ભોગરોગ – સત્તાનું વધતું હિંસકથાણું;
તરણું ના કરમાય લીલું એ તેજ પ્રમાણું.

રચું અલ્પ એકાકી સતનું બચાવનામું.
અંધકારની અમાસમાં ધ્રુવ તારક પામું.
*
વડવા
સોમઃ
મુક્તિ હોય ના સ્નેહવિહોણી!
મગ્ન બનું ને રચું કૃતિ જે પલે
વ્યક્ત થાય સંચાર વિશ્વના તલે!
સર્વશ્રેષ્ઠ આનંદ જગતમાં સર્જનનો તે
કિસલય પલ્લવ કળી ફૂલ ને ફળનો.
વડવા મારા ખેતર થઈને જીવતા.
છોડ નીંઘલે
અને કણસલે દાણેદાણા દૂધ ભરાતાં
– છોડ નર્યો રોમાંચ –
પવન ત્યાં ચણવા આવે,
પોરો ખાતો ધજા ધર્મની ફરકાવીને
જતો ગામ પરગામ...

પિતાના શ્રમિત દેહના સુખના સાક્ષી બને તારકો,
વાત સાંભળું ભવભવ જૂની,
પડઘે ઊંઘી રહું.
સવારે મહુડાં ટપકે ત્યાં લગ
જાગે ગોધન, પંખી-કલરવ,
ઊંચે અજવાળાની ઝૂલ!

મહુડું રસબસ ફૂલ–
ભૂલથી પાની નીચે આવે ના એ જોવાનું,
ને સ્‌હેજ ટેરવે સાહીને લઈ લેવાનું
એ જીભ થકી જોવાનું મહુડું!

ભોમ કહે છેઃ સુરા બનાવો
મૃતસંજીવની સુરા!
મહુડાં સૂકવો, ક્‌હોવો, છૂંદો,
તપવો, એની બાષ્પ બનાવો.
ઝણઝણાટ નખશિખ થઈ જશે,
ભૂમંડળ ચકરાશે.

વનદેવીનાં કર્ણફૂલ
કે મોરપિચ્છ
કે તુલસીજીનાં મૂળ તોડવાં
મને ગમે ના.
સુંદરતાની માળામાં મેરુને આપું માન.
શૌર્ય પણ સંયત હોવું ઘટે એટલું ભાન.
અમારે ઘેર ઘેર તલવાર
મખમલી મ્યાને રહેતી બંધ,
ઝૂલતી ભેટે, જોતાં જાય જનાવર દૂર
તીરથથી કાળમીંઢ પથ્થર વીંધે
એ વડવા મારા
ગામ, સીમ, વન ગાઢ, સરોવર સાચવતા.
સહુથી સંગાથે
સમરસ ભાવે જીવતા.
(સર્ગ-૨માંથી)
*
નિચોવી નિજ અસ્તિત્વ છીપમાં મોતી સર્જતી,
સ્નેહના તપથી નારી માતા – ઋતંભરા થતી.
*
કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરીઃ
ચાહવું એટલે હોવું – એ જ અસ્તિત્વની ધરી.
(સર્ગ-૯માંથી)
*
શ્રદ્ધાનું તેજ જાગશે?
અનામી ગોત્રનાં બાળો, પાડશે નામ ધીમહી,
ખોળામાં લઈને સ્નેહે આપશે શર્કરા દહી.

શિશુઓ જય સંગાથે રમે દોડે તરુ ચઢે,
ભલે મેદાન લે માથે, અમી કે સોમ ના લડે.

અતિથિ સર્વ જોડાતાં સમૂહે પ્રાર્થના થતી,
યુવકો બાળકો પ્રેર્યા ઉતારે મળી આરતી.

અહિંસા સત્ય અસ્તેય અપરિગ્રહ પ્રાર્થના
શુદ્ધિ સંતોષ સ્વાધ્યાય તપ ને સૃષ્ટિચાહના

– યમનિતમથી પ્રાપ્ત આત્મદીપ્ત પવિત્રતા
જગવે શિવસંકલ્પો ક્રિયાથી દૃઢ જે થતા.
*
દૂર સુદૂરથી આવ્યાં કિશોરો-યુવકો મળે.
પ્રવાસે જાગતી મૈત્રી ચિત્તની ક્ષિતિ વિસ્તરે.

“ચાલો જોવા નદી-ભૂમિ પ્રાણને નિત્ય પોષતી,
સાચવે સર્જના-ઊર્જા કાલગર્તા-ઉગારતી.

લતાઓ – વૃક્ષનાં નામો જણાવે સોમ ચાલતાં,
શિલાલેખરૂપે સ્વપ્નાં સૂતેલાં થાય જાગતાં.

નદીકાંઠે હતા પૂર્વે દુર્ગ સ્થાપત્ય-શિલ્પના,
વીરસિંહ જુએ ધ્યાનેઃ જાગતી ભવ્ય કલ્પના.

વિમાસેઃ ‘ના વિચાર્યું મેં તોડવા-જોડવા વિશે.’
ભગ્ન દેરે ચીંધે સોમઃ માતૃકા મધ્યમાં દીસે.

સર્જાયાં યુક્ત કર્મોથી સભ્યતાનાં મહાલયો,
જ્ઞાન-વિજ્ઞાનના યોગે રચાતાં ભાવિ સંકુલો.
*
હતી ‘ઉત્કર્ષ’ની કાલે બંધ ઊંચી ઇમારતો.
થશે ઓરાગ્યનું ધામ – દાતા છદ્મ જણાવતો.

સ્તબ્ધ છે વીર, ના સોમ, અમીની એ જ ધારણાઃ
સંપત્તિ બનતી લક્ષ્મી પામતાં ઈશપ્રેરણા.
*
છાત્ર સાથે અમી લાવે અલ્પાહાર નદી-પટે.
‘ભુનક્તુ સહ નૌ ચાલો – જય કેડી રચે તટે.’
*
પંખીનાં પગલાં પાડે સ્વસ્તિકો શ્વેત રેતમાં
કાંઠાનાં વૃક્ષનાં બિંબો રમાડે જલ હેતમાં!

વીરસિંહ બની મુગ્ધ દેખતાં સર્વમાં ભળે,
સૃષ્ટિસૌંદર્યના ધ્યાને આંખમાં શાંતિ ઊતરે.
*
આવશે ગુરુજી, શુભ્ર સર્વ ચંદ્રોદયે થશે,
અમીને સોમ પૂછે છેઃ શ્રદ્ધાનું તેજ જાગશે?
(સર્ગ-૯માંથી)

(બચાવનામું, પૃ. ૨૨-૨૩, ૭૮, ૮૮, ૯૪-૯૫)