કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧. શગ રે સંકોરું
Jump to navigation
Jump to search
૧. શગ રે સંકોરું
રમેશ પારેખ
શગ રે સંકોરું મારા નામની
તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું
નર્યું અજવાળું અજવાળું વાય
શગ રે સંકોરું મારા નામની.
સગપણને કાંઠે હોડી નાંગરી
સામે ઝાંખું રે ઝળૂંબે મારું ગામ
કેડીઓ કંડારું મારા ગામની
શગ રે સંકોરું મારા નામની.
શબદો ખંખેરી દીધા ખેસથી
કાંઈ લૂછી નાખ્યાં રે લીલાં વેણ
ઝાંખની સોંસરી પાંપણ સંચરે
એમ અળગાં કાયાથી ઊડે નેણ
આંધળી દશ્યુંને મેલી આમની
શગ રે સંકોરું મારા નામની.
ઝરડે પડછાયા મારા ઝૂલતા
હવે ઠેસમાં ન આવે મારો થાક
હળવી તે ફૂંક જેવું ઊડતો
પગને જમણે અંગૂઠે ફૂટે પાંખ
આઘી રે ઠેલાય માયા રામની
શગ રે સંકોરું મારા નામની.
૨૦-૩-’૬૯/ગુરુ
((છ અક્ષરનું નામ, પૃ. ૫૧) )