કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

રમેશ પારેખ

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઉંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ, મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યાં કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યાં કરે રે લોલ

૨૬-૯-’૬૮/ગુરુ
(છ અક્ષરનું નામ, પૃ. ૫૧-૫૨)