કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૮. નદીએ હબસણ ન્હાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૮. નદીએ હબસણ ન્હાય

રમેશ પારેખ

નદીએ હબસણ બેવડો પવન પહેરી ન્હાય
સ્તન ચોળે, પેડુ ઘસે, સાબુ કાળો થાય

નિતંબ પર ખંજન પડ્યાં, તેમાં ચમચીક જળ
જળને તગતગ તાકતા આખા નભમાં સળ.

ડુંગર ઝૂક્યા છાતીએ લઈ મર્દાળુ લાહ્ય
એના હાડેહાડથી સ્ખલન ઢાળના થાય

બિલ્લોરી ઉન્માદમાં તરફડતું જળ ચૂપ
ચંપાયું રૂંવેરૂંવે સીસમ સરખું રૂપ

સૂરજને છુટ્ટો મૂકી તડકો એકલપંડ
નાગોછમ તૂટી પડ્યો હબસણ પર શતખંડ

હબસણ કઠ્ઠણ વીજળી સળકે જોબનભેર
જીવ બળી ભડથું બને, નજરુંમાં અંધેર

હબસી બનવાની કરે પડાપડી સહુ કોય
રમેશ કર જોડી કહેઃ બાપુ, એમ જ હોય.*

૨૧-૮-’૮૪/મંગળ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૫૫)