કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૫. અલ્યા મેહુલા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫. અલ્યા મેહુલા!

અલ્યા મેહુલા!
મારા ખેતરની વાટમાં વગાડ નહીં પાવો,
તારે કોઈના તે કાળજાનો રાગ નહીં ગાવો!
નીચાં ઢાળીને નૅણ દાતરડું ફેરવું શું
હૈયું ખેંચાય ત્યારે સૂરે,
કાંઠાનું ખેલનાર તે રે તણાઈ રહ્યું
ઓચિંતું ઘોડલા પૂરે;
તને કોણે બોલાવિયો તે આજ અહીં આયો?
‘ખેતરને કોઈ ખૂણે ટહુકે ભલે તું
એનો વંનવંન વરતાણો કેર,
રાતી આ માટીની ભોંય. ને લ્હેરાય તારા
લીલુડા ઘાઘરાનો ઘેર;
હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો,
અલી પાંદડી...’
ખુલ્લા મેદાન મહીં ઢીંચણ ઢંકાય નહીં
એવી વાલોરની છે વાડી,
ઓલી તે મેર જોને ઝૂકી રહી છે પેલા
ઝાઝેરા તાડ કેરી ઝાડી;
અલ્યા કંઠ લગી પ્રીતનો પિવાય ત્યહીં કાવો.
(સંકલિત કવિતા, પૃ. ૮૨)