કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૭. दृष्टिपूतम् पदम्

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. दृष्टिपूतम् पदम्
(પૃથ્વી)

કહું દીકરી ડાહી કે ભગિની નાની કે મિત્ર ક્‌હૌં?
નથી તપ તટસ્થતા, અનુભવે નથી એટલો,
ઉકેલી ન શકું નિજ સ્થિતિ, શી અન્યની વાત ત્યાં?
છતાં જહીં જહીં કરું નજર, દુઃખના ડુંગરા
તહીં નીરખી, એક વાર કહું, જો જરા સાંભળે!
જતાં જગતમાં કદી પગલું કેડી બ્હારે પડે,
અને પગ અજાણ કંટક કદાચ ભોંકાય તો,
ઘટે ફરી ઉપાડીને મૂકવું दृष्टिपूतम् पदम्!
ન હોય કદી કંટકે મમત ટેક કે આગ્રહ.
હરેક પગલે નવે, ન નવી વાટ વિશ્વે પડે!
અને મનથી સ્વસ્થ થૈ, જરી વિસામીને વાટમાં,
સ્વકીય જ કરેથી કંટક કહાડી નાંખ્યો ઘટે,
ભલે ઘડીક પીડ કંટકથી ઝાઝી સ્હેવી પડે!
ભલે કદીક ઊંડું કંટકથીયે પડે ખોદવું!
ન થાય પણ લગ્નકંટક પગેથી યાત્રા ભલે!

(શેષનાં કાવ્યો, પૃ. ૫૦)