કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૩. નટવરલાલજીનો ગરબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૩. નટવરલાલજીનો ગરબો
(શાર્દૂલવિક્રીડિત)

નટવરલાલજી રે ચૌટે શાક લેવા ચાલ્યા.
નટવરલાલજી રે જાતાં રાધા વહુને કીધું. ૧
નટવરલાલજી રે આંધણ ખીચડીનું ઝટ મૂકો.
નટવરલાલજી રે સાંજે ખીચડી શાક જ કરજો. ૨
પણ હજી જાઓ છો ને ત્યાં શી આંધણની ઉતાવળ.
નટવરલાલજી રે નહિ બસ વખતસર જ થવું જોયેં. ૩
નટવરલાલજી રે ચૌટે એમ કહીને ચાલ્યા,
નટવરલાલજી રે ચૌટે કૉલેજ મિત્રો મળિયા. ૪
છેલ્લો આજ શો છે જોવા જઈએ ચાલ સિનેમા.
નટવરલાલજી રે પણ મેં જમવા ટાઇમ દીધો છે. ૫
ચલ ક્‌હેવરાવિયે રે કોને ઘેર જવું છે જમવા?
નટવરલાલજી રે નહિ નહિ ઘરની વાત કરું છું. ૬
બહાનાં શું રે દિયો રે ઘરમાં ટાઇમ હતા હોશે કે?
નટવરલાલજી રે મંડળી એમ થિયેટર પહોંચી. ૭
નટવરલાલજી રે ત્યાં તો બંધ થિયેટર દીઠું.
એમ શું હારિયે રે જોયા વણ નહિ પાછા જઈએ. ૮
નટવરલાલજી રે બીજે ટિકિટ મળી નહિ જોવા.
તો શું થઈ ગયું રે કાળ નથી કૈં થિયેટરોનો. ૯
નટવરલાલજી રે ત્રીજે ફિલ્મ થઈ’તી અરધી.
નટવરલાલજી રે ટિકિટ લઈને અંદર બેઠા. ૧૦
નટવરલાલજી રે નવ વાગે એ માંડ પૂરી થઈ.
જોવો રહી ગયો તે પહેલો ભાગે જોઈને જઈએ. ૧૧
ને કંઈ ખાઈએ રે પેટ ભરીને સૌએ ખાધું.
નટવરલાલજી રે પેટ ભરેલ રસ બહુ લાગ્યો. ૧૨
નટવરલાલજી રે આખી ફિલ્મ ફરીને જોઈ,
નટવરલાલજી રે રાતે બાર બજે ઘર પૂગ્યા. ૧૩
નટવરલાલજી રે હળવે રહી ટકોરો માર્યો.
નથી ઉઘાડતી રે મારે કામ ન કંઈ તમારું. ૧૪
નટવરલાલજી રે વહુજી ઉતાવળાં મા બોલો,
નટવરલાલજી રે વરજી બોલશું તો શું થાશે? ૧૫
નટવરલાલજી રે વહુજી છોકરાં જાગી જાશે.
નટવરલાલજી રે વરજી જાગશે તો શું થાશે? ૧૬
નટવરલાલજી રે વહુજી લડતાં દેખી જાશે.
નટવરલાલજી રે વરજી દેખશે તો શું થાશે? ૧૭
નટવરલાલજી રે વહુજી પાડોશી સાંભળશે.
નટવરલાલજી રે સાંભળશે તો શું થઈ જાશે? ૧૮
નટવરલાલજી રે વહુજી સહુ ભેગાં થઈ જાશે.
નટવરલાલજી રે ભેગાં થાશે તો શું થાશે? ૧૯
નટવરલાલજી રે આપણો ખૂબ ફજેતો થાશે.
નટવરલાલજી રે એ યે થાશે તો શું થાશે? ૨૦
નટવરલાલજી રે વહુજી હવે ન મોડો થાઉં.
ખીચડી મુકાવી’તી તે ખાવું કબૂલો તો જ ઉઘાડું. ૨૧
નટવરલાલજી રે વહુજી જે કહેશો તે કરશું.
મહીંથી દીધી નથી રે બ્હારની સાંકળ ઉઘાડી આવો. ૨૨
નટવરલાલજી રે ખડખડ ઉઘાડીને ધસિયા,
નટવરલાલજી રે ખડખડ રાધાવહુયે હસિયાં ૨૩
નટવરલાલજી રે જે કોઈ ગાય શિખે સાંભળશે,
નટવરલાલજી રે તેના ભવની ભાવટ ટળશે. ૨૪

(શેષનાં કાવ્યો, પૃ. ૭૦-૭૧)

* જ્ઞાતિવાચક એક શબ્દમાં પાઠ ફેર કર્યો છે. સં.