કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૧. ગ્રીષ્મની એક સાંજ
(પૃથ્વી)
બધો દિન તપી તપી રવિય અસ્ત માર્ગે પળે,
જહી રજનિ તોરણો વિવિધવર્ણ કેરાં સૃજે;
મહેનત કરી કરી સખત કાઠિયાવાડની
જમીન પર ખેડૂતે, નીરખી હાથછાયી દૃગે,
વળે બળદ સાથ, જે શ્રમિત તોય ઉત્સાહથી
જતા ઘરની આશમાં ધૂળ ઉડાડતા, ડોલતા;
વિહંગમગણો કરી કલકલાટ માળે જતાં,
મયૂર પણ સંહરી નિજ કલાપ કેકા કરે
ત્રિભંગ કરી ડોક છેલ્લી, અવ ગામને ગોંદરે;
નમી નમી ભરી હવે રમણી હેલ છેલ્લી, જતી
ભરી ડગ ઉતાવળાં, ઘરનું કામ સંભારતીઃ
રડન્ત નિજ બાળકો દિવસ-થાકથી ભૂખથી,
અધીર થતી ગાય જ્યાં વટતી વેળ દો’વા તણી,
પ્રકાશ ઘરમાં થવા પતિ અધીર રા’ દેખતોઃ
ઘડી-બ-ઘડીમાં પછી રજનિરાણીની આણમાં
ઢળ્યું જગ; તહીંય ઈશ! તવ ચેતના એની એ
દીસે શ્વસતી શાન્તિમાં, અજબ રોમરોમે ભરી.
કદી કદી પરંતુ હા! અનુભવે પ્રભો! ચિત્ત આ
પ્રશાન્તિ જડ કારમી, અહહ! શીત મૃત્યુ સમી;
ન અંતરમહીં ન કે જગતમાંહી શોધું મળે
તવ સ્ફુરતી ચેતના; સકલ મર્મ થીજ્યાં દીસે;
ન ભૂત કંઈ સત્ત્વ પૂરતું, ન ભાવિ આશા ધરે,
અને હૃદયબુદ્ધિએ નિજ-કરેલ આદર્શ, જે
સદા વિપદમાં વિષાદમહીં ને નિરાશામહીં
નિગૂઢ બલ આપીને ચલિત થાતી શ્રદ્ધા-મતિ
કરે અચલ માર્ગગામી, અહ! તે જ આદર્શ એ
બને અસહ ભાર બુદ્ધિ હૃદયે અને આત્મમાં,
– રહે અકથ દર્દમાત્ર મુજ ચેતના-લક્ષણ.
તદા તવ અનન્તમાંથી કંઈ ચેતના પૂરજે,
વિમૂર્ચ્છિત થયેલ ગાત્ર પર અંજલિ છાંટજે,
વિખેરી દઈ મોહને, તું મુજ ચિત્તને પ્રેરજે –
ભલે મલિનદીન હીન પણ, કોઈ કર્તવ્યમાં.
(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૦-૧૦૨)