કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૦. માગું બસ રાતવાસો જ હું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૦. માગું બસ રાતવાસો જ હું
(પૃથ્વી)

ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝૂમતાં ઘનો, નહિ હું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહિ ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.
બધો દિવસ ચાલી ચાલી ચરણોય થાકી ગયા,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે ક્યહીં,
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.
વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહિ કશું જણાશેય ને
પરોડ મુજને થતાં નવીન તાજગી આવશે.
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.

(શેષનાં કાવ્યો, પૃ. ૯૬)