કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૦. ઉસ્તાદને!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૦. ઉસ્તાદને!
(શિખરિણી)

કહે કેવી રીતે ફક્ત કરની અંગુલિ વડે
ઋજુ તારોમાંથી અજબ સૂર ઉસ્તાદ! ગજવે?
તવ સ્પર્શે સ્પર્શે – નવલ શિશુમાં માત નિજની
કરે પંપાળંતાં અદભુત ઊંડા ભાવ વિલસે,
અને આખા દેહે અણવિકસિયા સૌ અવયવે
ન માયે ચૈતન્ય પ્રસર્યું કુસુમે સૌરભ સમું!
યથા વા વ્હાલીના મધુર કરથી પ્રીતમ ઉરે
નવા કૈં સંસ્કારો અતલ ગહનેથી સ્ફુરી રહે –
તવ સ્પર્શે તેવા બીન તણી અકેકી રણઝણે
લસે જાગે ચેતે મુજ દિલ નવા ભાવ ઊભરે! ૧૦
કહે ક્યાંથી આવે? મુજ દિલ ન પૂર્વે કદી કળ્યા?
અને ક્યાં જાયે એ ફરી ક્યંઈ ન બીજે અનુભવ્યા? ૧૨
જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું
જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું!
તને ત્યારે ભેટે હૃદયથી શું દેવી સ્વર તણી? –
મીંચ્યાં નેત્રે ડોલે વિરલ ક્ષણ શું સ્પર્શસુખની?
ગ્રહીને શું તેના હૃદયગત ભાવો હૃદયથી
ઉતારે સંગીતે હૃદય-બીન-અદ્વૈતમય થૈ?       ૧૮
(પૃથ્વી)
ઉપાડી હળવેથી બીન ધરીને નિજ સ્કંધપે
ઝીણા ઝણઝણાવતો તું મૃદુ તાર ધીમે ધીમે.
તહીં સ્વર ઊઠે સુમન્દ, જ્યમ સુપ્ત આ વિશ્વમાં
જગત વિરચવા ઊઠે પ્રથમ શૂન્યમાંથી સ્વરો.
અને પ્રથમ માતને ઉદર બાળ જેવું સ્ફુરે
સ્ફુરે ત્યમ મૃદુ; નિતાન્ત જ્યમ નીતરી રાતમાં
ધીમેથી જલવીચિઓ સરતી સામસામે તટે;
ધીમેથી ત્યમ વ્યાપતા મૃદુ તરંગ ઉલ્લાસમાં
બધે દશ દિશે, નિશાન્ત જ્યમ ઘોર અંધારમાં
જરાક ઝીણી રંગહીન ઝળકન્તી પ્હેલાં દ્યુતિ,
પછી વિવિધ ઊજળા અધિક ઊજળા ઊઘડે
શું એક મહીંથી બીજા અજબ રંગ કૈં પૂર્વમાં!
ખરે જ તવ બીનમાંથી ત્યમ એકમાંથી બીજા
સ્વરો નીકળતા, અને નીકળી વ્યાપતા વિશ્વમાં. ૩૨
મયંક જ્યમ પૂર્ણિમાની નિશ મધ્ય આકાશથી
સ્વયં નિજ પ્રકાશ રેલી, નિજ કૌમુદીસાગરે
તરે સરલ, આત્મના સકલનાય ઉલ્લાસને;
તું રેલી ત્યમ સૂરસાગર તરે તરંગો પરે!
અને ઉદધિ કોઈ વાર જ્યમ ભૂમિને કાનમાં
કરે હળવી વાત, કોઈ વળી વાર ધ્રુજાવતો
કરી ધ્વનિ પરે ધ્વનિ ઘૂમટ ઠેઠ આકાશનો;
તુંયે ત્યમ જુદા જુદા ધ્વનિ સુણાવતો બીનથી! ૪૦
ક્વચિત્ ધ્વનિ કરે પ્રચંડ ગિરિ ભેદતા વજ્રશો!
ક્વચિત્ ઝરણ પર્વતે પ્રથમ શોધતા માર્ગશો!
ક્વચિત્ તુમુલ યુદ્ધમાં નિબિડ ઝૂઝતાં લશ્કરો
તણા રવ પરે સવાર થઈ કો મહાવીરનો
સુણાય વિજયી સુઘોષ રણભેદી શંખધ્વનિ,
સુણાય ત્યમ ઘોષ અન્ય રવ સર્વ આરોહતો!
ક્વચિત્ વળી હલેતી મુગ્ધ શરમાળ બાળા તણા
ઉરે અણૂકલ્યા સુણાય જ્યમ મર્મરો કોડના!
ક્વચિત્ જ્યમ મહાન પર્વત પરે જતા યાત્રિકો
ચડી શિખર ઉપરે શિખર, કૂટ કૂટો પરે,
અચાનક જઈ ચડે ઊંચી કરાડ, જ્યાંથી નીચે
સપાટ ભૂંઈ દૂરની ધૂમ્મસ ગાઢમાંથી જરા
કળાય ન કળાય; તેમ તવ સૂર એકેકથી
ઊંચા પર ઊંચા ચડી, પછી અચિન્તવ્યા થંભતાં,
સુમન્દ્ર સ્વર ત્યાં સુણાય-ન-સુણાય એવા થતા. ૫૫
સમુદ્ર ભરતી મહીં જ્યમ અનંત આવ્યા કરે
તરંગથી તરંગ, કોઈ ભળી એક થાયે ક્વચિત્,
ક્વચિત્ અધવચે ત્રુટી ઘડીક દૂર સંધાય જૈ,
ક્વચિત્ વળી વિરુદ્ધ બે દિશથી આવીને આફળે,
મહાકવિ તણી અલૌકિક પુરાણ વાર્તા મહીં
ત્યજી ક્રમ ભવિષ્ય ભૂત વળી વર્તમાને મળે,
અનેક પ્રકૃતિ મિજાજ વળી શીલ ને વૃત્તિઓ
સ્વયં થઈ પ્રવૃત્ત નેય રચતાં કલા અદ્ભુત;
રચે ત્યમ સ્વરો સ્વયં અજબ આકૃતિ નર્તતા!
અને જ્યમ કથા સુણી અનુભવે નવું વિશ્વ કો
છતાં ન સમજે રચાયું નિજ અંતરે બાહ્ય વા;
હું એ ન સમજું જ કે ગહન તારું સંગીત આ
ઊઠે શું મુજ અંતરે અગર વિશ્વના ગર્ભથી! ૬૮
અને દિન બધો ઝડી ઉપર કો દી વર્ષી ઝડી
પ્રદોષ સમયે છવાય નભ માંહી આછાં ઘનો,
રચાય દિશ સર્વમાં વિવિધ રંગ રંગો પરે,
સરે વિવિધ રંગ જેમ વળી સામસામી દિશે,
ફરે ઘડી ઘડી અનંત પ્રગટાવવા કારણે,
પરંતુ નિજ યોજનાવશ અલક્ષ્ય કોઈ ક્રમે
વિલીન થતું જાય સર્વ સમ એક અંધારમાં;
તુજ સ્વર બધાય તેમ કરી વ્યક્ત આનન્ત્યને
ધીરી ગતિથી સંહરાય બસ કો રણત્કારમાં,
– અનન્ત વિરહોત્થ તીવ્ર અતિ આર્ત્ત નિ:શ્વાસ શા –
અરૂપ પછી જે અનંત જઈ શૂન્ય માંહી શમે! ૭૯
(અનુo)
અનન્તમાંથી ઊઠેલું કરી વ્યક્ત અનન્તને
તારું સંગીત ઉસ્તાદ! થતું લય અનન્તમાં! ૮૧
(મંદાo)
નિદ્રામાંયે પ્રિય ઉર તણા સ્પર્શથી આત્મ ભીંજે,
અંધારામાં અદીઠ સુરભિથી બધું ચિત્ત રીઝે,
એકાન્તે યે સ્મરણ પ્રિયનાં મિષ્ટ આમોદ આપે,
(સ્રગ્o)
આત્મામાં તેમ ઊંડે, વિરમી ગયું છતાં, તારું સંગીત વ્યાપે.
(શાલિની)
વર્ષી જેવો મેઘરાજા વિરામે,
તોયે તેનાં વારિઓ ઠામઠામે,
(મંદાo)
ઊંડાં ઊંડાં નીતરી ઊતરીને ફૂટે જૈ નવાણે,
(સ્રગ્o)
તારું સંગીત તેવું હૃદયતલ થકી ફૂટતું કેમ જાણે!
(શાર્દૂલo)
વાસંતી રસ અંતરે સળકતાં સૌ શુષ્ક પર્ણો ખરે,
વ્હાલાં અંતર ભેટતાં જગતનાં સૌ અંતરાયો સરે,
વાતાં શારદ વાયુ જેમ ગહનો આકાશનાં નીતરે,
ત્વત્સંગીતસુગન્ધથી જગતના મેલો સ્વયં ઓસરે.
(અનુo)
ધન્ય એ બીન ઉસ્તાદ! ધન્ય એ સ્વરસર્જનો!
ધન્ય દેશ અને કાલ! ધન્ય એ સુણતાં જનો! ૯૫
(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૫-૧૩૮)

(શેષનાં કાવ્યો, પૃ. ૧૮)