કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૭. જતો'તો સૂવા ત્યાં –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૭. જતો'તો સૂવા ત્યાં –
(શિખરણી)

જતો'તો સૂવા ત્યાં ડસડસ સુણી રોતી સજની,
ગયો; દીઠી ડુસ્કાં ભરતી ઉશીકે મોં ઢબૂરીને;
બિછાને બેઠો જૈ, ઊંચકી મુજ સ્કંધે શિર મૂક્યું,
કપોલે પંપાળી, નયનજલ ભીંજેલ લમણે,
શિરે, પૃષ્ઠે આખે કદલીદલ લીસે, ફરી ફરી
અને અંગે અંગે મૃદુ કર થકી થાબડી બધે.
ન ર્‌હે તોયે છાની! હિમશી મુજ એ ગૌર પૂતળી
ગળી જાશે અશ્રુ મહીં જ હિમ શું? એવી જ રુએ! ૮
પછી જેવું ઘોડાપૂર વહી જતાં સિન્ધુ નીતરે
રહે કૈં સંક્ષોભ પ્રતિલહરીમાંહી ધબકતો;
શમ્યું તેવું તેનું રુદન, રહ્યું કૈં શેષ શ્વસને;
સુવાડી ત્યાં ધીમે, શયનતટ બેઠો નજીક હું,
અને એ વીંટાઈ, તરુ ફરતી વેલી સમ, સૂતી,
મૂકીને વિશ્રંભે મુજ ઊરુ પરે શ્રાન્ત શિરને! ૧૪
નિશા આખી જેવું ટમટમ કરી વર્ષતી રહી
કરે ઘેરું વાતાવરણ બધું, ને એ જ જલનાં
કણોથી પો ફાટ્યે, અજબ મધુરું ઉજ્જ્વલ હસે!
હસી તેવું, અશ્રુ હજી કહીં ટક્યાં ઉજ્જ્વલ કરી! ૧૮
રડી શું ને પાછી હસીય શું? ન જાણ્યું સજનીએ,
હું તો શું? ને ભાગ્યે સમજીય શકે મન્મથ સ્વયમ્!5૨૦

(વિશેષ કાવ્યો, પૃ. ૫૮-૫૯)