કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર

આધુનિકતાનાં અવનવાં શિખરો સર કરનાર; પોતાને અને ભાષાને વારે વારે ભાંગીને ફરી ફરી ઘડનાર વિદ્રોહી કવિ લાભશંકર ઠાકરનો જન્મ તા. ૧૪-૧-૧૯૩૫ના રોજ સેડલા (જિ. સુરેન્દ્રનગર) ખાતે થયો હતો. વતન પાટડી. માતા પ્રભાવતીબહેન, પિતા જાદવજી નરભેરામ શાસ્ત્રી. ધોરણ ૮ સુધીનો અભ્યાસ પાટડીમાં, ત્યારબાદ ધોરણ ૯ ભારતીય વિદ્યાલય, ધોરણ ૧૦-૧૧ જયહિંદ હાઈસ્કૂલ, અમદવાદમાં. અમદાવાદમાં એમને મધુસૂદન પારેખ જેવા શિક્ષક મળ્યા. ૧૯૫૭માં ગુજરાતી મુખ્ય વિષય સાથે અમદાવાદ બી.એ; તથા ૧૯૫૯માં એમ.એ. ૧૯૫૭માં કુમુદબહેન સાથે લગ્ન. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદનો ડિપ્લોમા. આરંભનાં સાતેક વર્ષ અમદાવાદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૬માં ‘કાય ચિકિત્સા’નો આરંભ. વૈદ્ય પુનર્વસુ તરીકે સિદ્ધિ મળી. રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૧), નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૮૬), સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર (૧૯૯૧), ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર (૨૦૦૨)થી તેઓ સન્માનિત. તા. ૬-૧-૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું. તેમની પાસેથી ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ (૧૯૬૫), ‘માણસની વાત’ (૧૯૬૮), ‘મારા નામને દરવાજે’ (૧૯૭૨), ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪), ‘પ્રવાહણ’ (૧૯૮૬), ‘લઘરો’ (૧૯૮૭), ‘કાલગ્રંથિ’ (૧૯૮૯), ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ (૧૯૯૦), ‘કલ્પાયન’ (૧૯૯૮), ‘કિચૂડ કિચૂડ’ (૧૯૯૯), ‘સમય સમય’ (૨૦૦૦), ‘હથિયાર વગરનો ઘા’ (૨૦૦૦), ‘ટેવ’ (૨૦૦૧), ‘છે’ (૨૦૦૨), ‘છે પ્રતિજ્ઞા’ (૨૦૦૨), ‘આઈ ડોન્ટ નો સર’ (૨૦૦૨), ‘રમત’ (૨૦૦૩), ‘મેં કમિટ કર્યું છે શું ?’ (૨૦૦૪), ‘આવ’ (૨૦૦૬), ‘કથકનો ક’ (૨૦૦૭), ‘કૅમેરા ઑન છે’ (૨૦૦૯), ‘ઇન અને આઉટ’ (૨૦૧૨) કાવ્યગ્રંથો મળ્યા છે.

‘મારી બા’માં લાભશંકરે નોંધ્યું છે ઃ ‘મારી શબ્દચેતના, લયચેતના, કાવ્યચેતના પણ માની દેણગી છે.’ માતા પ્રભાવતી શિશુ લાભશંકરને ધાવણની જેમ લય પાતાં રહેલાં. ગળામાં મીઠાશ. લાભશંકરને ઘોડિયામાં સુવાડતાં, પરોઢિયે ઘંટી દળતાં, શિશુ લાભશંકરની પાંથીએ પાંથીએ તર્જની ફેરવતાં માતા હલકથી ગાતાં. માતાએ લાભશંકરને ગીતોનું, લયનું એવું અમૃત પાયું કે એમની યજ્ઞોપવીત વખતે નમેલા માથા પર અસ્તરો ફરતો હોય ત્યારેય તેઓ તલ્લીન હોય એ પ્રસંગે ગવાતાં ગીતોમાં. લાભશંકરે ભલે આધુનિક ઍબ્સર્ડ લખ્યું... પણ એમની સર્જકચેતનાને પોષણ તો મળ્યું લયના અવિરત સિંચનથી, ખાડાખડિયાવાળા રસ્તાઓ પરથી ખખડ-ખખડ જતાં ગાડાંઓમાં જાનડિયું ગાતી એના ‘કર્ણ-રસાયન’થી, બે ચોપડી ભણેલી બા ઓખાહરણ કે મામેરું ઉકેલતી-વાંચતી-ગાતી એમાંથી, દેશી નાટક- કંપનીઓનાં નાટકોમાંથી, મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ; કથાકીર્તનકારો-મેળામાંના રાહડા-ભજનો-ગરબા-ગરબી; બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, વ્રતો કરતી બાળાઓનાં ગીતો; બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓમાંથી... દસેક વર્ષની વયે એમણે કાવ્ય રચીને પિતાજીને બતાવેલું. ખડિયામાં હોલ્ડર જરાક બોળી પિતાજીએ લયભંગ સુધારેલો. અને તેઓ કાનથી કવિતા પામતા થયા. તેઓ નવમા ધોરણમાં હતા ત્યારે એમનું એક કાવ્ય ‘રમકડું’માં પ્રગટ થયેલું. શાળામાં હતા ત્યારથી તેઓ હાથખરચીના પૈસામાંથી ‘ગુજરી’માંથી સામયિકો, પુસ્તકો ખરીદતા. કૉલેજકાળમાં એમને રાધેશ્યામ શર્મા, ચંદ્રકાન્ત શેઠ, અબ્દુલકરીમ શેખ તથા રતિલાલ દવે જેવા મિત્રો અને ઉમાશંકર જોશી, પ્રબોધ પંડિત જેવા અધ્યાપકો મળ્યા. કૉલેજમાં આવ્યા બાદ તેઓ ‘બુધસભા’માં જતા થયા. ‘બુધસભા’માં એમની વયના મનહર મોદી, ચિનુ મોદી, આદિલ મન્સૂરી વગેરે કવિ મિત્રો મળ્યા. પછીથી સારંગપુરના એમના દવાખાનાના મકાનમાં જ આ કવિમિત્રો દ્વારા ‘રે મઠ’ની શરૂઆત થઈ; તેમજ ‘કૃતિ’, ‘ઉન્મૂલન’નું પ્રકાશન તથા થંભ થયેલાં કાવ્યજળને ડહોળી નાખવાનાં તોફાનો ચાલ્યાં. અને આમ લા.ઠા.ની કાવ્યયાત્રા, પ્રયોગયાત્રા, ભાષા સાથેની ભાંગફોડ, વિદ્રોહ સાતત્યપૂર્વક ચાલ્યાં.

૧૯૬૫માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’માં લાભશંકરની લયચેતના શબ્દમેળ, અક્ષરમેળ, માત્રામેળ છંદોમાં ઘૂંટાઈ ઘૂંટાઈને કાવ્યતેજ રેલાવે છે. પ્રથમ કાવ્યસંગ્રહના સહુને પ્રભાવિત કરનારાં (‘કુમારચંદ્રક’ જેના થકી મળ્યો એ કાવ્યો) કાવ્યો બાબતેય લા.ઠા. કહે છે – ‘કૃતક હતી એ રચનાઓ.’ બધા કવિઓ પોતાના પહેલા કાવ્યસંગ્રહના પ્રેમમાં હોય, જ્યારે પોતાનું સતત ઍન્કાઉન્ટર કરતો રહેતો આ કવિ, કવિચેતનાનો ઉત્કટ અવાજ પેટાવતા આ પ્રથમ કાવ્યસંગ્રહના ‘પ્રાસ્તાવિક’માં શું કહે છે ? ઃ ‘તો મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધનો સંગ્રહ ભલે પ્રકટ થતો.’ પ્રથમ કાવ્યસંગ્રહમાં ‘ચાંદરણું’, ‘અંતિમ ઇચ્છા’, ‘સ્મૃતિ’, ‘સાંજના ઓળા લથડતા જાય’, ‘તડકો-૧’, ‘તડકો-૨’ જેવાં કાવ્યો પ્રાપ્ત થાય છે. ‘તડકો’માંના લાભશંકરીય મુદ્રાવાળા ‘કટાવ’થી સહૃદય ભાવકો-વિવેચકો સહુ પ્રસન્ન. તો, આ ‘કટાવ’ બાબતે લા. ઠા. પોતે શું કહે છે ? ઃ ‘સર્જકને સંમોહિત કરી, ટ્રાન્સમાં ગરક કરતો; એકધારો છંદોલય લાભશંકરની કાવ્યમૂર્છા છે.’ ‘સાંજના ઓળા લથડતા જાય’ કાવ્યના આસ્વાદમાં નિરંજન ભગતે વૈયક્તિક કરુણતાને વૈશ્વિક કરુણતા સાથે જોડી આપી છે – ‘...પંખીઓની આ કરુણતા વૈયક્તિક કરુણતા છે. પણ આ કરુણતાના કારણરૂપ જે કરુણતા છે તે આ કરુણતાથી વિશેષ એવી કરુણતા છે. એ વૈશ્વિક કરુણતા છે, એ વિશ્વવ્યાપી કરુણતા છે. વિશ્વ જે કરુણતાથી છલોછલ છલકાય છે એ કરુણતા છે.’ આ આસ્વાદ-લેખમાં ભગતસાહેબે લાભશંકરની શૈલીની બે લાક્ષણિકતાઓ નોંધી છે ઃ ‘...ઇન્દ્રિયગમ્ય-ઇન્દ્રિયગ્રાહ્ય અને લાઘવયુક્ત ચિત્રાત્મકતા એ લાભશંકરની શૈલીની એક લાક્ષણિકતા છે... ‘લાભશંકરની શૈલીની એક અન્ય લાક્ષણિકતા છે બે શબ્દોના પ્રાસને આધારે અને / અથવા બે શબ્દોના અવાજના થોડાક સામ્યને સહારે તેઓ એક ભાવમાંથી અન્ય ભાવમાં, ભિન્ન અથવા વિરોધી ભાવમાં; એક કાળમાંથી અન્ય કાળમાં સહેલાઈથી સરી જાય છે.’ આ કાવ્યના આસ્વાદમાં ભગતસાહેબે કાવ્યનાયક વિશે નોંધ્યું છે તે અનુભવ અન્ય કાવ્યો માટે તથા કવિ માટેય સાચો ઠરે તેવો છે ઃ ‘...કાવ્યનાયકને એકસાથે આત્મવિલોપન અે આત્મોપલબ્ધિનો અનુભવ થાય છે. એ પથ્થર અને પંખીને નિર્લેપ નેત્રથી નિહાળે છે.’ જાત સાથેની તથા માણસ માટેની લાભશંકરની નિસબત દીર્ઘકાવ્ય ‘માણસની વાત’માં, ‘દીપકના બે દીકરા/કાજળ ને અજવાસ’ની જેમ, black and whiteમાં, ટોન (Tone)ના ઊંડાણ સાથે પ્રગટ થાય છે, ‘માણસની વાત’ વિશે ઉમાશંકરે ‘શબ્દની શક્તિ’માં નોંધ્યું છે ઃ ‘...મારે મન એનું મુખ્ય આકર્ષણ એનો લય છે... ‘કવિ આગળ જતાં છંદોના ટુકડા, જોડકણાં, લોકગીત આદિના લય પણ લીલયા કૃતિમાં વણી લેતા ચાલે છે. અપદ્યાગદ્યના અણસારા આવ્યા કરે છે, પણ સમગ્ર લયમાં ન્હાનાલાલીય નહીં પણ ચોખ્ખી લાભશંકરીય મુદ્રા ઊઠે છે, જે પકડવી એ આ કાવ્યના આસ્વાદ માટે આવશ્યક છે.’ સંપ્રજ્ઞ સર્જક લાભશંકર ઠાકર લા.ઠા.માંથી લા.ઠા.ને બાદ કરતાં આગળ ચાલતા રહે છે, માણસની વાત કરતા રહે છે; કર્મચેતના થકી શબ્દને, જીવનને અને જગતને ઝીલતા રહે છે, સેવતા રહે છે ને પછી લય–ઉન્મેષો થકી એક જગત-નવા, અવનવા રંગ-રૂપ-ગંધ-સ્પર્શ સાથે ભાવકને પ્રત્યક્ષ કરાવવા મથતા રહે છે; એમના વિડંબનાના સૂરની નીચે નગરજીવનની અને અસ્તિત્વની વિ-સંગતિનો કરુણ સૂર વહેતો રહે છે. એમની ભીતર બાળક જેવું જ વિસ્મય ટમટમતું રહ્યું છે ને સતત જાગ્રત પ્રશ્નચેતના થકી તેઓ જાત સાથે સંવાદ, વિ-સંવાદ કરતા રહ્યા છે. લા.ઠા.ની કેટલીક પંક્તિઓ સાંભળીએ:

‘કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?’


‘કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે ?’
‘કવિ લઘરાજીનું ચિંતન’માંથી કેટલીક પંક્તિઓ -
‘ઉલેચાતો શબદ,
ક્યાંક તો ખૂટી જવાનો છું.
અને તૂટી જવાનો છું
ક્રિયાના
કર્મથી
નામના વ્યયથી
વિશેષણથી
આમ-થી ને તેમ-થી
તે-થી ને જે-થી
છે અને છું-છા થકી
વ્હેલ જૂની છે ને વાંકી ધૂંસરી
ચડે બેસે ને વળી ઊતરે
ખખડતી ખેંચે કવિતા કોણ?’

જાતનું એન્કાઉન્ટર કરતો, ‘અવાજને ખોદી શકાતો નથી અને ઊંચકી શકાતું નથી મૌન’-ની લાચારી અનુભવતો આ કવિ self-parody પણ કરતો રહે છે, જેમ કે –

प्रस्तावना
‘ડોલ શબ્દની કાણી રે
ઊંડા કૂવાનાં પાણી રે
હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે
આ આવી છલકાતી લઈને
ભરચક પાણી પાણી રે !’

સેલ્ફ પૅરડી કરતાં કરતાં, સર્જકની દુર્દશાઓમાં લઘરાને અને જાતને તળેઉપર કરે, ક્યારેક મરક મરક તો ક્યારેક ખડખડાટ હસે, ‘લઘરા’નું મિથ ઊભું કરે ને પછી જાતે જ કરે એનું ડિમિથિફિકેશન. ‘સ્વ’ને તથા ચોખ્ખાચણક શબ્દને પામવાની શોધ અને એના ‘ધમપછાડા’નાં ભાવોત્કટ રૂપો ‘મારા નામને દરવાજે’માં પ્રગટ થયાં. આ શોધ ‘બૂમ કાગળમાં કોરા’માંય ચાલી – લા.ઠા.ની પ્રશ્નચેતના ઉત્કટ છે:

‘ધોળી ધોળી કબર સમા કાગળમાં
આ હું
શોધું છું કોને સતત... સતત કાગળમાં કોરા ?’


શબ્દ
શબ્દ
વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.
જગાડું એને ?’
કવિકર્મ, કવિધર્મ, માનવધર્મ બાબતની એમની integrity એમનાં કવન અને સર્જનમાં પમાય છે -
‘હું ઈશ્વરને ભજી પણ શકતો નથી
તજી પણ શકતો નથી.’
(‘માણસની વાત’)


‘હું મને નથી હાડોહાડ ધિક્કારતો
કે નથી હાડોહાડ ચાહતો’
(‘ઇન અને આઉટ’)


‘હિટલરને હું ધિક્કારી શકતો નથી
અને ગાંધીને હું ચાહી શકતો નથી.’
(‘મારા નામને દરવાજે’)

સિતાંશુ યશશ્ચંદ્રએ નોંધ્યું છે: ‘હિટલરને પણ માનવ-સ્ત્રીના જઘનો વચ્ચે જન્મ લેતો જોનાર આ કવિ પાસ્કલની જેમ કહેવાના કે ‘નથિંગ ધૅટ ઇઝ હ્યુમન ઇઝ ઍલિયન ટુ મી.’ – માણસાઈનું એકે પાસું લા.ઠા.ને મન પણ પરાયું નહોતું.’ ‘પ્રવાહણ’માં કમોડ પર બેસીને, કરાંઝતા કરાંઝતા, ‘શ્રુતિ-સ્મૃતિના અનંતપાર અધ્યાસો’માંથી મુક્ત થવાની મથામણનો અંશ સાંભળીએ :

‘મારું/બા ચા પા થી/આરંભાયેલું
કાવ્યજીવન/ વિષ્ટાવિઝનમાં –
કરાંઝે છે/કમોડ પર/એકાંતમાં
એકલું એકલું/ને
આઇ એમ ઇન કૅપેબલ ઑવ કીપિંગ સાયલન્ટ
ઊંહ... ઊંહ...’

ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ‘કલ્પાયન’ વિશે નોંધ્યું છે ઃ ‘લાભશંકરના ‘કલ્પાયન’માં (કાવ્યનંબર ત્રણથી નવ) – આ સમગ્ર કાવ્યજૂથ આજની ગુજરાતી કવિતાનું એક તદ્દન નવું પરિમાણ ઉપસાવે છે. સંવાદો દ્વારા ઊભી થતી કાવ્યગતિ અને અવચેતનમાંથી માતૃઆધાનની ધસી આવતી મનોમુદ્રાઓને મળતો વિવિધ વિડંબનાઓનો આધાર – આ રચનાઓને માત્ર ‘લવરી’ કે મનોરુગ્ણ બબડાટમાંથી ઉગારી જ નથી લેતાં, પણ ઊંચાં સર્જનમૂલ્યોથી સ્થાપિત પણ કરે છે.’ ‘કલ્પાયન’માં કવિ ભાવક સાથેય સીધો સંવાદ કરે છે ને ભાવકની કલ્પનાનેય સંકોરે છે:

‘આવે છે અવાજ પાછળથી, કલ્પો
પાછળ અંધકાર છે, કલ્પો.’


‘મૂળિયાં શોધું તો
તળિયાં તૂટે છે –
અભિન્ન અવાજનાં, એમ કલ્પો.
.... ....
.... ....
હા, સંભળાય છે તેમ કલ્પો.
આવે છે અવાજ અંદરથી, કલ્પો.’
કેટલાંક અ-રૂઢ ગીતો પણ લાભશંકર પાસેથી મળ્યાં છે, કેટલીક પંક્તિઓ ઃ
‘હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને’
(‘મારા નામને દરવાજે’)
                   *
‘અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા.
અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા.’
                   *
‘ઠાકરની આંખમાં ઢળિયા રે જણ જીવો જી.
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.
... ...
ભડ ભડ ચેહમાં બાળિયા રે જણ જીવો જી.
અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવો જી.’

ઠાકરની આંખમાં ઠળિયા ?! ના, કવિ-કૅમેરા – લાભશંકરીય લય-મુદ્રાવાળા સૂક્ષ્મ લેન્સ ધરાવતા... આ કૅમેરામાં ‘માણસ’ ઝિલાય, મનુષ્યની પીડા-કરુણતા વૈશ્વિક બનીને ઝિલાય, જીવનની વિ-સંગતિ ઝિલાય, કલ્પનો ઝિલાય, રમ્ય લયઘોષ ઝિલાય, લખારી રૂપે સરરિયલ મનોમુદ્રાઓ પણ ઝિલાય, અજનબી અગોચર પણ ઝિલાય, ‘આઉટ’ની સાથે ‘ઇન’ પણ ઝિલાય. કેફિયતમાં લા.ઠા.એ નોંધ્યું છે – ‘કવિને શબ્દમાં, શબ્દ વડે, શબ્દ રૂપે સ્વ-ના સકલ સંદર્ભ રૂપે વિશ્વને યથાતથ, the world as it is જોવું છે. હવે passivity of illusion નથી.’ અંતે, ૨૦૧૨માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘ઇન અને આઉટ’ની અંતિમ રચના સાંભળીએ:

‘રે કેમ ચીંખો છો, લા.ઠા. કાઠા ?
અહંકારને આગ ચાંપવા જતા
ગયો છું દાઝી ઇન અને આઉટ.
આ શું સળગે છે આસપાસ ચોપાસ તમારી ?
મારી કાવ્યપોથીઓ.’

૨૦-૪-૨૦૨૨ — યોગેશ જોષી