કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૩.સમજ્યા
Jump to navigation
Jump to search
૨૩.સમજ્યા
લાભશંકર ઠાકર
સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ.. સમજ્યા.
અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ.. સમજ્યા.
અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ... સમજ્યા.
અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ... સમજ્યા.
અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા.
અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા.
તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ... સમજ્યા.
ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ.. સમજ્યા.
કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ... સમજ્યા.
અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ.. સમજ્યા.
અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત... સમજ્યા.
અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત... સમજ્યા.