કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૧. મધરાતની માલણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. મધરાતની માલણ


માઝમ રાતે નીતરતી નભની ચાંદની,
                   અંગેઅંગ ધરણી ભીંજાયઃ
એવા રે ભીના રંગની ઓઢી એણે ઓઢણી,
                   પાલવડો પવને લહેરાયઃ
– જાણે એ ફૂલને ફોરમ પાય.
                            – માઝમ રાતેo

સૂનો રે મારગ ને ધીમોધીમો વાયરો,
એનાં જોબનિયાં ઘેલાંઘેલાં થાયઃ
આભલાં ઝબૂકે એને કંચવે સુંદર,
ગીત કાંબિયુંનું રેલાયઃ
–એને જોઈ આંખ અકલંકી થાય.
                            – માઝમ રાતેo

કેવો રે સીમાડો હશે શોભતો એનો?
ધરણી હશે રે ધનવાનઃ
કયી રે ફળીમાં હશે એની ઝૂંપડી?
મીઠાં ઝીલંતી એનાં તાન?
–એનાં તોર ભરેલ તોફાન.
                            – માઝમ રાતેo

કેડે બાંધી’તી એણે એક વાંસળી,
એમાં ભેટ ભરેલ અણમોલઃ
એક ડગલું, એક નજર એની, ને
એનો એક કુરબાનીનો કોલઃ
–ઝૂલે ઉર ફાગણનો ફૂલદોલ.
                            – માઝમ રાતેo

નેણમાંથી નભના રંગ નીતરે રે,
એનો ઝીલણહારો દૂરઃ
હશે કોણ બડભાગી વ્હાલીડો પ્રીતમ–
જેને હૈડે ફોરે રે કપૂર!
–સોણાંની કુંજ કેરો એ મયૂર,
                            – માઝમ રાતેo

ઓંઝો રે મારગ, રગમાં જોબનિયાનું જોર,
ધરતી ચંપાતી એની પાનીએઃ
એના ઓર દિમાગ ને દોર.
                   – હતી એ માઝમ રાતની માલણ!
(સિંજારવ, પૃ. ૮૨-૮૩)