કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૮. પરબડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮. પરબડી


બાંધી પરબડી રે...
ભજન કેરી બાંધી પરબડી રે.

કીર ચૂને કોઈ કાગ ભી ચૂને એ જી
ચૂનત સમડી રે,
પાંખ સમારે કોઈ કિલકિલ ગાવે એ જી
ફરે ફૂદરડી રેઃ
– ભજન કેરી બાંધી પરબડી રે.

ચાંચ મેં ચાંચ મિલાવી ચુનાવે એ જી
મીઠી માલવડી રે,
તરસી ચાંચ ડૂબે અનહદજલ એ જી
ભરી તબકડી રેઃ
– ભજન કેરી બાંધી પરબડી રે.

એકદંડિયો જાણે મ્હેલ ગેબથી એ જી
કરે વાતલડી રે,
તાલ-કરતાલ એનાં છજાં ને છાપરાં એ જી
છોટી ઝૂંપલડી રેઃ
– ભજન કેરી બાંધી પરબડી રે.

ઘર છાંડી સબ પંખી આવે એ જી
હરખે હરઘડી રે,
મોત કી મીની વ્હાંપે ટાંપે અકાજ એ જી
ખૂણે ખડી ખડી રેઃ
– ભજન કેરી બાંધી પરબડી રે.
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૨૮)