કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૦. ટેરવાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦. ટેરવાં


ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર
કસબી! લાખેણો લલકાર.

ટેરવાંથી નાચે મારા
તંબૂરાના તાર ઝીણા,
નાચે રે વીણાના ઝનનન
ઝનન ઝન ઝંકાર–
કસબી! ઝનન ઝન ઝંકાર. – ટેરવાંo

છૂટે રે અંબોડે ધૂણે
જેવી કોઈ જોગણી રે,
ટેરવાંથી મંજીરાં એમ
નાચે થૈથૈકાર–
કસબી! નાચે થૈથૈકાર. – ટેરવાંo

ટેરવાંની ટીચકીથી
તબલાંનો તાલ નાચે,
તોડા ને મોડાથી થાપી,
ધીંગો રે થડકાર–
કસબી! ધીંગો રે થડકાર – ટેરવાંo

ટેરવાંથી નાચે છૈયું,
હોઠ નાચે, નાચે હૈયું,
ટેરવાંની મૂંગી મૂંગી
સંગનામાં સાર–
કસબી! સંગનામાં સાર. – ટેરવાંo

ટેરવાંથી નાચે મારા
બેરખાના પારેપારા,
ટેરવાં દેખાડે અનહદ
સોહમ્ ને સંસાર –
કસબી! સોહમ્ ને સંસાર – ટેરવાંo

ટેરવાં છે કામનાં ને
ટેરવાં છે રામનાં રે,
જેવી જેની તરસ એવો
છલકે પારાવાર—
કસબી! છલકે પારાવાર. – ટેરવાંo
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૩૧-૩૨)