કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૨. મંજીરાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. મંજીરાં


મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાંઃ
બજે બજે મંજીરાં.

રૂમઝૂમ લેહ લગાવત રમઝટ,
ગુંજત, ઠમકત, નાચત ઘટઘટ,
કાયાના કટકા કરનારા
કંપ-અજંપ અધીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.

લોચન ઘૂમત અલખલગનમાં,
આકુલવ્યાકુલ વિરહ-અગનમાં,
મનમોહનની સન્મુખ નાચી
મંજીરાં લઈ મીરાંઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરા.

ભજનાનંદી ભવસાગરમાં,
વનમાં, ઘરમાં કે મંદરમાં,
હરિગુણ ગાવત, ધૂન મચાવત,
ઢૂંઢત ગહન-ગભીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.
(દીપ્તિ, પૃ. ૩૪)