કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૩. હેલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૩. હેલી


હરિકીર્તનની હેલી રે મનવા!
હરિકીર્તનની હેલી.

ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી,
ધામધૂમ નર્તન-અર્ચનની સંતત ધૂન મચેલીઃ
રે મનવા!
હરિકીર્તનની હેલીo

મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી,
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલીઃ
રે મનવા!
હરિકીર્તનની હેલીo

નયણાંની અગણિત ધારા નભમાં જઈ વરસેલી,
કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલીઃ
રે મનવા!
હરિકીર્તનની હેલીo
(દીપ્તિ, પૃ. ૩૫)