કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૯. ભિક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૯. ભિક્ષા


હું શાયર છું, પણ આજ સવાલી થાવામાં પણ લ્હાણી છે,
હું કર લંબાવી ઊભો છું, એ હાથની મૂંગી વાણી છે.

ના અસ્ત્ર-શસ્ત્ર, ના હળ-દાતરડું, ધાન્ય અગર ધન ના જોઈએ,
એક નાની ચીજ માગું છું, જે જાણીતી તોય અજાણી છે.

ઘરની વાત કરી લઉં ઘરમાં, રીત-રસમ એ શાણી છે,
આ આઝાદીના સેંથામાં કંઈ લાખો લીંખ ભરાણી છે.

પોતાના માથામાં નિશદિન પોતે ન્હોર ભરાવે છે,
એ મીઠી પીડાથી એની આંખો પણ છલકાણી છે.

એ જુલ્ફાંમાં કંઈ તેલ નથી, સમદરનું ખારું પાણી છે,
હું આજ કાંસકી માગું છું, એ દેવી રૂપ-દુભાણી છે.

(સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના અમુક કાળપર્યંત પ્રવેશેલા નૈતિક અધઃપતનને તબક્કે)
(દીપ્તિ, પૃ. ૭૪)