કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૨. પ્રશ્નવિરામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૨. પ્રશ્નવિરામી


વનમાં ગદ્ગદ તરુવર ટપકે મનમાં ટપકે નેવાં,
ચણ નાખ્યું છે ચોક મહીં પણ ના આવ્યાં પારેવાં,
હે જીવનના સ્વામી!
હું થઈ છું પ્રશ્નવિરામી.
ગારામાં જઈ દાણા નાહ્યાઃ પંખીને નહિ પૂગે,
માટીમાં એ મળી જવાના છતાં કોઈ નહિ ઊગેઃ
આ ખોટ ગણું કે ખામી? હે જીવનના સ્વામી!
હું થઈ છું પ્રશ્નવિરામી.
ઝુંડ ઝુંડમાં કંઈક ઝંખના તાકી તાકી તરસે –
હૈયું તો તરુવરની પેઠે વરસ્યા કેડે વરસેઃ
મેં શું ખોયું? શું પામી? હે જીવનના સ્વામી!
હું થઈ છું પ્રશ્નવિરામી.
નભમાં નવાં નયનની પાની દોડીને તરવાણી,
વીજ-વીજને છરકે છરકે શોણિતની સરવાણીઃ
આ દુગ્ધા ક્યાં દઉં ડામી? હે જીવનના સ્વામી!
હું થઈ છું પ્રશ્નવિરામી.
શબ્દ વિનાનો શબ્દ ગુંજતો, લયમાં લય વરસાદી,
રાખોડી ચંદરવા નીચે ઉદાસ ને ઉન્માદીઃ
હું મને મળી ક્યાં સામી? હે જીવનના સ્વામી!
હું થઈ છું પ્રશ્નવિરામી.
મારગ સંગે પ્રેમ કર્યો ને મારગ સંગે ઝઘડી,
આશીર્વાદ રહ્યા અધરસ્તે, અધરસ્તે એકલડી;
તેં કેવી ભુજા ઉગામી? હે જીવનના સ્વામી!
હું થઈ છું પ્રશ્નવિરામી.
(આચમન, પૃ. ૨)