કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૦. ગઢ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. ગઢ


(મિશ્ર)
આ ગામનો ગઢ હવે અહીં જીર્ણશીર્ણ
ઊભો છ કો’ક અવશેષ સમો અજાણ્યા
એ કાળના…
ભીતરમાં ભર્યાં હશે –
કૈં માઢ મેડી, કિનખાબ જડેલ સોણાં,
ઘૂંટી ઘૂંટી ગટગટાવલ કેફ, ભેળા
કૈં ખેલ રાજવટના; હળવા નિસાસા,
ને રંગરાગ કંઈ ફાગ ભર્યા, ભર્યા એ
વ્હેવાર ને વટઃ બધું ગઢનાં પુરાણાં
તોતિંગ બાર પડછે…
પથરા પડી પડી
થયું બધું પાધર … ક્યાંક ઊભી
અબોલ ને એકલ કો’ક ખાંભી;
સિંદૂરિયા રંગ ઊડી ગયા સૌ.
તોતિંગ બાર નહિ ક્યાંય કળાય;
ક્યાંયે ઝૂલે ન આજ પરદા…
અહીં સાવ ખુલ્લા રસ્તા, બજાર, વ્યવહાર
બધુંય … આજે સોદા-પતાવટ બધું
અહીં સાફસૂથરું ચાલ્યા કરે…
ગઢ હજી પણ જીર્ણશીર્ણ
ઊભો છ કો’ક અવશેષ ધરી અજાણ્યા.

૧૮-૧-૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૪૦)