કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૫. આવ્યા જુઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫. આવ્યા જુઓ


(મિશ્ર)

આંધી ચડી ઠંડકની…
ઘડીમાં જોજો હવે તો, હળવાંક ફોરાં
ધાકોર કોરીકટ આ ધરા પે
ફોરી જશે ગંધ મટોડીની ભલી.
ધૂળેભર્યાં ઝાડ-મકાન-ટાબરાં
ચોખ્ખાંચણાક હળવાં હળવાં ઘડીકમાં
જોજો હવે, લીંપણ-ગારમાંથી
સોને મઢ્યા કુંવળના ઝગારા.
ને પાન પાને જુગતે ઝિલાયાં
ધીરે રહીને ટપ્‌કી જશે કંઈ ટબૂકલાં
બોખલી કુપ્પીમાંથી ઝરેલ
મીઠી-મધ વારતાનાં.
ઝોકારતી તેજલ-રેખ એવી
ગ્હેકી જશે ઉજ્જડ આંખમાંયે;
કે કારમે દેશવટે રહેલા
આશાભર્યા એ જણ પંથ ખૂંદતા
ઘડીકમાં તો અહીં ગામ-પાદરે
શેરી, ફળીમાં, ઘર-ઉંબરામાં –
આવ્યા જુઓ, સાંકળ ખટ્‌ખટાવે!

જુલાઈ ’૭૩
(જળમાં લખવાં નામ, પૃ. ૬૪)