કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૬. જીવમાં જીવ આવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬. જીવમાં જીવ આવ્યો


(મંદાક્રાન્તા)

વંટોળાતી પવન-ડમરી થૈ ઠરીઠામ અંતે,
ઝીણાં ફોરાં ઝરમર ઝર્યાં, જીવમાં જીવ આવ્યો.
હાંફી હાંફી વ્યથિત સઘળાં નીડ ઝૂલ્યાં હવામાં
આછા હેલે, પરણ પરણે ઊજળો રંગ કાઢ્યો.

તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે –
ધીરે ચાલ્યો થડ પર ભીનાં ઝીણી લંગાર લૈને.
સોને-રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો, ને
ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું.

ટ્‌હૌકી ઊઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં,
ગાણે ગાણે હરખ ઊઘલ્યો, ઘૂઘવ્યાં પૂર આઘાં.
ક્યાંથી મ્હોર્યાં સ્મરણ નમણાં, ભાંભર્યાં દૂધ ક્યાંથી,
ક્યાંથી આવ્યાં – મનભર મળ્યાં લોક કાચી ઘડીમાં!

આઘે-ઓરે, અડખ-પડખે એનું એ સૌ છતાંયે
ફોરાં જ્યાં બે ઝરમર ઝર્યાં, જીવમાં જીવ આવ્યો!

૨૯-૫-૭૪
(જળમાં લખવાં નામ, પૃ. ૬૬)