કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૭. જળના પડઘા પડ્યા કરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૭. જળના પડઘા પડ્યા કરે(વૈતાલીય)

જળના પડઘા પડ્યા કરે
સ્થળકાળથી પાર વિસ્તરે
ઝમતા ક્યહીં ગૂઢ ગહ્‌વરે
અનિમેષ દૃગો વિશે ઠરે.

નભ રક્તિમ ઝાંયથી ભર્યું,
વન સોનરજે શું આવર્યું,
લવ પંખ-હવા શું ફર્‌ફર્યું
મન-બૂડ કશુંક જૈ ઠર્યું.

ક્યહીં કર્બુર શ્યામ વાદળી,
ક્યહીં સોનલ રેખ છે ઢળી,
ક્યહીં રુક્ષ ધરા બળી-ઝળી
સ્મરણો સહુ જાય ઑગળી.

ક્ષણના તરતા તરંગમાં
રમતી’તી હજી ઉછંગમાં.
મનમોજી મનસ્વી રંગમાં;
નિયતિ હસતી’તી વ્યંગમાં.

ક્યહીં ગુન્‌ગુન ગીતનિર્ઝરી,
ક્યહીં નૃત્યની ઠેક થન્‌ગની,
ક્યહીં રૂપની રેખ વિસ્તરી,
હરતી-ફરતી કલાધરી.

નમણી મધુવેલ માધવી
રમતાં રમતાં ખીલી હતી;
મનને ક્યમનું મનાવવું –
ન’તી ભાગ્ય મહીં લખી ન’તી!

વણનોતરી આપદા ખડી,
અણચિંતવી આંધીઓ ચડી,
વિણ ગર્જન વીજળી પડી,
ભરખી ગઈ કાળની ઘડી.

વિધિ રે, કંઈ કેર તેં કર્યો,
અપરાધ ન’તો કશો ધર્યો,
ભવ-વૈભવ ભાદર્યો-ભર્યો
પળમાં – ન-હતો – હતો કર્યો!

હૃદયે રહી શલ્ય થૈ સ્મૃતિ,
અવ ધારવી કેમ રે ધૃતિ;
નિર્‌માઈ થવા સ્વયં કૃતિ
રહી કેવળ સ્વપ્ન ને શ્રુતિ.

સ્મરણો લઈ જીવવું હવે,
સ્મરણો મહીં ઝૂરવું હવે,
રહ્યું જે કંઈ શેષ આયખું
સ્મરણો થકી પૂરવું હવે.

જગની સઘળી જળોજથા
વહતા રહીશું યથાતથા
અવશેષ મહીં નરી વ્યથા,
પરિપૂરણ થૈ જશે કથા.

(જળમાં લખવાં નામ, પૃ. ૧૨૩-૧૨૪)