કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૮. બધું વેચી આવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૮. બધું વેચી આવ્યો

(શિખરિણી)

ફરી પાછો આજે ઘર-વતનથી દૂર… સમણે
ચડ્યો, ઝોકું આવ્યુંઃ ખડખડ જતી વાટ, વચમાં
બપોરી વેળાનો ઝલમલ વિસામો, ઠમકતો
પણે કૂવા-કાંઠો ઝટપટ ધરે લાજ; શરમે,
મને આવ્યો ભાળી. રણઝણ થતી ઝાલર વળી
કશી ગુંજે, શેરી દલદલ થકી જાય ઊઘડી.
પછી ચૌટું, ડેલી, ધમકફળિયું, ઓસરી મહીં
ઝગી ઊઠે દીવો; ખટક દઈને ખાટ પગની
હળુ ઠેસે હાલે. હરફર થતો શ્વાસ – હમણાં
મને ઘેરી લેશે ઘર ભર્યું ભર્યું…
જાઉં ઝબકી!
બધું વેચી આવ્યો… હવડ ઘરનું શુંય કરવું?
ન’તું ગામે કોઈ જણ મન જહીં સ્હેજે ધરપે,
નહીં ધંધો પાણી… ફરી ફરી કરું એ જ લવરી…
(જળમાં લખવાં નામ, પૃ. ૧૨૯)