કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૯. સ્મૃતિ-વેદના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. સ્મૃતિ-વેદના

(પૃથ્વી-શાર્દૂલ-દ્રુતવિલંબિત-પૃથ્વી તિલક)

કદીક બસ થૈ જતી ઓશિયાળી કાલિંદી આ લાડકી,
કહ્યું ન કશુંયે ધરે કાન બહાને કશેક હઠે ચડે;
મનોમન બધુંય જાણું-સમજું; અને વઢી ના શકું.

કદીક ખખડે ઉપાન, ખખડે ખૂણે પડી લાકડી,
ચડી-ઊતરતા સુણું અવાજો કદીક વળી ઉંબરે.
રહું બેસી નત, ચૂપ, ન નજરેય માંડી શકું બારણે.

કદીક વહી જાય દહાડો સપરમોય એવો વળી;
પડી રહું વિમૂઢ છેક, પરવારીને કદી સ્નાનથી
ધરું અગરુ-દીપઃ ક્યાંક છલકી જશે આંખ અંદેશથી
જરીક છબિ પાસ જાઉં, તહીંયે નહિ શીશ ઢાળી શકું.

કદીક ભણકાર થાય આદિત્યના શુચિ પાઠના,
જરાક અમથી ઝૂલે વળી ખાટ આછી હવા-લ્હેરથી,
સુણાય ઘરમાં જ ઘરડો ખૂંખારો કશે? – વ્હેમથી
લિયે ઓઢી વહુવારુઓ લાજ પહેલાં પઠે એવુંયે
થતું અનુભવું; છતાંય ન હસી શકું, ન શકું રડી.

(જળમાં લખવાં નામ, પૃ. ૧૩૭)