કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/અયિ મન્મથ!

૧૬. અયિ મન્મથ!

અયિ મન્મથ! થોભ તું હવાં,
દમતો શેં અમ દેહ આવડાં?
કરવા ક્ષીરનીરને જુદાં
મથતા હંસ; અમે ય હંસલા.

રમતી રવિરશ્મિતેજમાં
પૃથિવી આ લલિતા વિનોદિની,
અભિષેક કરે શશી, બને
રજની સ્નેહની પર્વણી સમી.

રૂપભેદ અભેદમાં શમી
જીવ નિર્લેપ અકામ, તેમ આ
દૃઢ બંધન દેહનાં થતાં
વિસરે છે સઘળું અજાણતાં.

શિશિરે ઊગતું સવાર આ,
સહુ સૂતાં અરવા સમાધિમાં!
પવને હળવે રહી તહીં
ઝૂલવી વૃક્ષની એક ડાંખળી.

પ્રિય સોડ મહીં સૂતાં સૂતાં
સુણતાં ગાન પ્રભાતપંખીનાં,
ફરકે સ્મિતમાધુરી મુખે
સુખની વા સ્વપનાંની કો કહે?

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૪૫-૪૬)