કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ઇકેરસ
Jump to navigation
Jump to search
ઇકેરસ
ફલંગ ભરી તાહરે અતટ અર્ણવો લંઘવા
હતા, ગગનમાં તને વિહરવાની તૃષ્ણા હતી,
હતાં તિમિર ભેદવાં, તિમિર ભેદીને તેજના
પથે વિચરવું હતું, અસીમ અંતરાલો ય તે
હતાં નીરખવાં, ધરા વિહગ-દૃષ્ટિથી જોવી’તી,
સહસ્ર રવિ-રશ્મિનાં પ્રખર તેજ પીવાં હતાં.
મનુષ્ય સહજૈષણાની પરિતૃપ્તિ અર્થે તને
નભોડ્ડયન કાજ તાત તુજ કાષ્ઠની પાંખ દે;
નહીં જ ખગરાજ શક્તિ તુજ પાંખ માંહે હતી
પરંતુ નભદર્શને, વિયતના વિહારે ઊંચે
સુદૂર ઉડુમંડલોડ્ડયન માણવા ને ઊંચે
ઊંચે અધિક એથી યે વિયત-જ્યોતિ સ્નાને ડૂબી
ક્ષણેક નયનો ભરી અયુત ભર્ગ પીધાં, તહીં
તૂટી જ ગઈ પાંખ; એમ કદી કાષ્ઠની પાંખથી
કહીં લગ મનુષ્ય અંબર વિહાર માંહે રમે?
કહીં લગ મનુષ્ય એમ ચિર-જ્યોત ઝીલી શકે?
૨૨-૨-૧૯૪૨(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૯-૨૦)