કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/એકો અને નાર્સીસસ

૧૨. એકો અને નાર્સીસસ

(ગ્રીક પુરાણકથા)
શો દેહ! રૂપની શી દીપ્તિ હતી ત્વદંગે!
એકો તને વિનવતી અનુરાગ-રાજ્ઞી
તારી થવા; નહિ તને નિજ રૂપ-ભાન!
એ પ્રેમનો પ્રતિધ્વનિ ય મળ્યો નહીં, ને
એ ‘પ્રેમ, પ્રેમ’ વદતી નિજ સાદમગ્ન
એકો અનંત મહીં એમ ડૂબી રિબાઈ.
તું મંત્રમુગ્ધ ભમતો વનમાં, વનાન્તે
જોતો સરોવર તટે મૃગલાંની જોડ,
ને હંસયુગ્મ સરતાં સરમાં દીઠં, ત્યાં
ત્વદ્ રૂપ તેં જલમહીં નીરખ્યું અને તું
તારા જ રૂપમહીં મુગ્ધ થઈ ગયો શું?!
જોયું સ્વરૂપ નિજ આત્મઊંડાણમાંહી
ભૂલી સ્વયં પીગળતો નિજ રૂપમાં તું —
ડૂબ્યો જહીં, કુસુમ સ્મારક શું ઊગ્યું ત્યાં.

૧૨-૧-૧૯૪૨ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૨૦-૨૧)