કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/કલ્પનામૂર્તિ?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૮. કલ્પનામૂર્તિ?

જેણે આંસુ વહાવી શરીર-મન-હૈયે દૂર માલિન્ય કીધું
ભેદી મૌનો યુગોનાં મુખરિત કરીને કાવ્યબાની સમર્પી;

જેને પામી, ન પામી, નિયતિ તણું દીઠું શક્તિ-શિવસ્વરૂપ
વિશ્વે જેના થકી હું પરમઋતનું માંગલ્ય જોતાં શીખ્યો છું;

જેના સાન્નિધ્યથી વા સ્મરણ થકી ઊઠે આર્તિ હૈયે સદાયે,
જોવા સૌન્દર્ય રેખા રહિત, અરૂપ એ શિલ્પ અદૃષ્ટ જોવા;

જેના ચારુ સ્મિતે મેં પ્રણયજલ પીધાં, ને તૃષા તે છતાંયે
મધ્યાહ્ને ઊભરાતાં રણજલ સમ, ના શોષ ક્યારે શમાવે;

જેની નિર્વ્યાજ લીલા ઉર મહીં મદિરા મસ્તી પાઈ દેતી,
મૂર્તિ એ દેહધારી સજીવ, મહીં ભળી કલ્પનામૂર્તિ મારી.

૨૫-૪-૧૯૪૨ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૬૪-૧૬૫)