કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ભણકાર

૩૯. ભણકાર

(અંજની)
ભૂતસમો ભમતો, ફરતો હું,
આંખો આંસુથી ધોતો હું,
હૃદયતંત્રીના તાર તૂટે ને
ઉરમાં એક ઊંડો ભણકાર,
નિર્જન વનમાં સૂની રાતે
અંધારી શીતલતા ઘોરે,
કોઈ જૂના ખંડેર સમો ત્યાં
એકલ મંત્ર જપું નિરધાર.
વરસી મેઘ પડે વીજળી ને
પ્રાચીન એ ખંડેર પડે ત્યમ
નીરવ રાત્રિ મહીં આ ગાજે
ઉરમાં એક ઊંડો ધબકાર.
સહૃદય કોઈ મુસાફર આવી
એ ઇતિહાસ નિહાળી રડતા,
એમ દેવી તુજ ભીની આંખો
આશાકિરણ તણો અંબાર.
ઉરમાં એક ઊંડો ધબકાર –
એકલ મંત્ર જપું નિરધાર –
આશાકિરણ તણો અંબાર –
ઉરમાં એક ઊંડો ભણકાર.


  • ૧૨ રદ કરેલ પાઠ : [રિ’શું ઝીલી કનકકિરણ આત્મભાનું.]

૧૭-૨-૧૯૨૮ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૨૪૦-૨૪૧)