કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/કવિ, તારે કેટલાં હૈયાં?

૩૩. કવિ, તારે કેટલાં હૈયાં?

કવિ, તારે કેટલાં હૈયાં?
કવિ, તારે કેટલાં હૈયાં?
કાલે આપ્યું પેલા પંખીના ગાનને,
આજે આપ્યું પેલાં ફૂલોના રંગને,
આપ્યું ઉષાને, તેં તારાને આપ્યું,
સંધ્યાની આશા સંતોષજે રે –

કવિ, તારે કેટલાં હૈયાં?
કવિ, તારે કેટલાં હૈયાં?
કાલે આપ્યું એક પેલાં સ્મિતોને,
આજે આપ્યું એક નીચાં નયનોને,
આશાભર્યા પેલા હાથોને આપ્યું,
જીવનસાથી સંતોષજે રે –

કવિ, તારે કેટલાં હૈયાં?
કવિ, તારે કેટલાં હૈયાં?
તરણાંને આપ્યું, ને સાગરને આપ્યું,
ધરતીને આપ્યું, આકાશને આપ્યું,
ધૂળ જેવી તારી કાયાનું હૈયું તું
મૃત્યુને માટે યે રાખજે રે –

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૪૨-૧૪૩)