કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/જીવન મંગલ તારું નિત્યે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૧. જીવન મંગલ તારું નિત્યે

હોઠો અચુંબિત રહ્યા, અવ છો રહ્યા એ,
શા ઑરતા પ્રણયને જ વગોવવાના.
સાચાં હતાં ઉભયનાં અનુરાગ-વ્હેણ?
કે સંભ્રમે જીવન ક્ષુબ્ધ કરી જ મારું

સંતાપ, ક્ષોભ, હૃદયે અનિરુદ્ધ ધાર્યો?
ના હોય સંભ્રમ ખરેખર તો પછી એ
કલ્પી શકું? નહિ ખરે જ શકું વિચારી
તેં શી વિધે હૃદયનો અનુતાપ રોધ્યો.

આજે નિરામય થયો. તુંય તેવી થાજે.
સંગુપ્ત વેળુમહીંની જ સરસ્વતીને
એકે વહાવી, મુજ જીવન શોભવ્યું છે,
આજે ફરીથી થતું જીવન ધન્ય મારું.

માનવ્ય મારું જગવ્યું; અવ ઓ કુમારી,
થાજો શુભે, જીવન મંગલ તારું નિત્યે.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૬૪-૬૫)