કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પથસાથી

૨૨. પથસાથી

દિને–રાત્રે, આંખે રૂધિરઝર અશ્રુ નીતરતાં,
નહીં શ્રદ્ધા–આશા–વચન–જલ; દાહો ભીંજવવા.
સદા સંગાથી આ જીવનમહીં સૌને મળી રહે,
નહીં કોઈને તું જીવનપથ સહપાન્થ ગણતો.

અરે એકાકી આ ઉદધિ નિજ મસ્તી મહીં રમે,
તુફાને ગાંડો વા મુદમય તરંગો વહવતો.
ભલે આવે કોઈ ઉર પર કદી સાથ કરવા
નહીં આવે તો યે ઉદધિ નિજ ઊર્મિરત સદા.

કહીં આંબા-ડાળો ટુહૂરવ પ્રમત્તે ગજવતો,
અને હૈયા-નીડે ટુહૂટુહૂ કરી સાદ જગવી
તને બોલાવે કોકિલ સુહૃદ તારો પુનરપિ;
અને કાવ્યે માગે પ્રતિધ્વનિ, તું તેને ય ભૂલતો?

અશ્રદ્ધા શ્રદ્ધા વા, નિજ હૃદય-દૌર્બલ્ય બલ વા,
દબાવી દે હૈયે, ઉદધિ પથ-સાથી તુજ થજો.

૧૩-૭-૧૯૪૧(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૬૬)