કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/સખ્ય

૧૩. સખ્ય

સમીરનું જોર, અષાઢ મેઘનો
ધરિત્રીને ભીંજવતો પ્રપાત
શમે, ભરે આર્દ્ર મધુર ગંધથી
મારા વાડા મહીંનો નભ કલગી સમો ગર્વિલો પારિજાત.

વસંતે જગનાં વૃક્ષો પાંગરે તે સમે તને
વરવું રૂપ ત્યાગીનું લઈને ઊભવું ગમે;
ગભીરા પૃથિવી જ્યારે સ્નાનથી પરવારતી
વર્ષાના, તવ સત્કારે એને ખોળે ફૂલો ભરી.
સાથી થઈને તહીં દેવ વૃક્ષનો
ઊભો હતો દેવકપાસ નાનડો,
લાવણ્ય હેમંતનું આથમે અને
લજ્જાઘેરી પધારે શિશિર તવ ખીલે નાનડો એ કપાસ.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૩૦-૩૧)