કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૪. કપાસનું ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. કપાસનું ફૂલ

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
                           ને એણે આણ્યું કપાસનું ફૂલ.
નેહથી મેં ઝાઝી વાત માંડી તો વળતામાં
                           આંખનો ઇશારો એણે કીધો,
ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં, વ્હાલાએ એક
                           ફોરમનો પ્યાલો પાઈ, પીધો;
લાખેણી જીદ મારી ચાલી ના, એક એના
                           સ્મિતમાં સો વાત થૈ કબૂલ.
સપનું મેં રાતભરી જોયું ને એણે એક
                           મીટ મહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી’તી એણે લીધું
                           હાથમાં સુકાન, બેડો પાર;
એક રે સિતારો મેં માગ્યો’તો આપ્યું એણે
                           આખું આકાશ આ અમૂલ.

૧૯૬૨

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૦-૮૧)