કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨. કોની નજર પડી...
Jump to navigation
Jump to search
૨. કોની નજર પડી...
કોની નજર પડી ગઈ આજે સવાર પર?
સૂરજનો સ્પર્શ પણ ક્યાં થયો છે તુષાર પર?
માળીનો વાંક મારી નજરમાં નથી વસ્યો,
ઉપવનનો દોષ મેં નથી ઢોળ્યો બહાર પર.
એને કહો સુંવાળા પથો પણ સરળ નથી,
દાવો છે જેને ચાલવા ખાંડાની ધાર પર.
એના હૃદયનો ભાર અજાણ્યે વધી જશે,
આવી નજર ન નાખશો કોઈ જનાર પર.
ડોળીનો ભાર ક્યાં, અરે, દુલ્હનનો ભાર ક્યાં?
અશ્રુનો ભાર હોય છે ઝાઝો કહાર પર.
આવ્યાં છે સામે તો હવે શ્રદ્ધા ન બેસતી,
ને આમ જીવતો’તો વચનના મદાર પર.
મારી પસંદ જોઈ મૂલવશે મને જગત,
એક ફૂલ પર નજર છે, ન સારી બહાર પર.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૪)