કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૮. અનહદનો સૂર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૮. અનહદનો સૂર

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
         મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
         વાગે છે ક્યારનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
         મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
         ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
         લઈ લો આ આંખડીનાં નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
         અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
         યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
         હવામાં મારાં ખાલી વેરાતાં કપૂર.

૬–૯–’૭૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૩-૩૧૪)