કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૫. પહેલો વરસાદ, ઘણી ખમ્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૫. પહેલો વરસાદ, ઘણી ખમ્મા

મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા,
તરણે કોળે છે તારી યાદ, ઘણી ખમ્મા.
ઝૂકેલાં વાદળનાં લઉં હું ઓવારણાં
ને ઊભરતે ઝરણે બોળું પાય,
તાપે ધગેલા મારા અંતરને અમરતની
શીળી આ લ્હેરખી વીંટાય,
ઝરમરનો ગમતીલો સાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
લોચનમાં પાંદડાનો લીલો છે રંગ
ભીની માટીની મ્હેક ભરી શ્વાસે,
રુદિયે છે કેફ, તને નીકળતો જોઈ
પેલા આભથી આ ભોમના પ્રવાસે,
ગેબ થકી ગુંજરતો નાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
આથમતા સૂરજની દીવડી ન દેખાઈ,
નવલખ તારાના નહીં ચાસ,
તારો આ ઘેઘૂર દીદાર જોઈ શરમાતી
પૂનમની રાતમાં અમાસ,
રાધા-મોહનનો સંવાદ, ઘણી ખમ્મા.
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

૧૬–૨–’૮૪

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૧૩)