કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪. હોઠ હસે તો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. હોઠ હસે તો

         હોઠ હસે તો ફાગુન
                  ગોરી! આંખ ઝરે તો સાવન,
         મોસમ મારી તું જ,
                  કાળની મિથ્યા આવનજાવન.
તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
         એક જ તવ અણસારે
                  મારા વિશ્વ તણું સંચાલન.
અણુ જેવડું અંતર ને તવ મબલક આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;
         તવ શ્વાસોનો સ્પર્શ
                  હૃદય પર મલયલહર મનભાવન.
કોઈને મન એ ભરમ, કોઈ મરમીના મનનું મીત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;
         પલ પલ પામી રહી
                  પરમ કો મુદા મહીં અવગાહન.

૧૯૫૭

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૪)