કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૦. શહેરની ઘડીઓ ગણતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. શહેરની ઘડીઓ ગણતાં

કેવું પરોઢ ઊઘડે (શિશુનું બગાસું!)
આ શ્હેરનું; લથડિયાં ભરતા જતા સૌ
(શું રાતપાળી કરતા મજદૂર?) તારા;
ને સૂર્ય લાલ તીરછી નજરે નિહાળે
હોટેલ લાઈટ્સ હજીયે ભભકી રહેલી.
કેવી બપોર (ઘરડી પણ વાંઝણી સ્ત્રી)
ચીસો વડે સમૂહને સળગાવી દેતી;
ચારે દિશા તરફથી પવનો ય શુષ્ક
બેડોળ વ્યંડળ તણા હિહિકાર દેતા.
ને સાંજ (લિપ્સ્ટિક વડે શણગારી ઓષ્ટ)
ચૂમી રહી સડકને, ગલીકૂંચીઓને;
જાઝી મ્યુઝિક પર સૌ મર્ક્યુરી લૅમ્પ્સ
નાચી રહ્યા; ગટરમાં ઠલવાય તેજ.
આ રાત્રિમાં ભમી રહેલ અનાથ સ્વપ્નો
(ભૂલાં પડ્યાં શિશુ) ઘડી, રડી, જંપી જાતાં.

૧૯૫૪
(સાયુજ્ય, પૃ. ૧૨)