કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૧. પશુલોક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. પશુલોક


અર્પણ
જે પોતાની જાતને માણસ ક્‌હે છે સાત વાર,
તે પ્રાણીની પાસ આ કવિતા વાંચીશ વાર વાર.

કૂતરો
(બંગલાની બહાર)
તમારા બંગલાની બહાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસી
આ દૂબળો ને પાંગળો કૂતરો ભસે;
સાથે તમારા બંગલાના કોટના સૌ કાંકરા ખડખડ હસે.
આં પાંગળાના પાછલા પગમાં પડ્યું છે એક ઘારું
લોહીથી ખદબદ થતું, જ્યાં માખીઓ બણબણ કરે,
ઘારા ઉપર પાટો નથી;
ને હું ભિખારી ક્યારનો એ કૂતરાને કાઢવા સારુ
તમારા બંગલાની બહાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસીને
હાંકતો એને,
પરંતુ ડાચિયું કરતો મને
ઘારા ઉપરના લોહીને ચાટી જતો એ દાંતથી ખણખણ કરે.
ઓ શેઠ, પાપી પેટને માટે કશો કંઈ રોટલો-આટો નથી?
ઓ ધરમરાજા, જુઓ આ દૂબળા સામું,
તમારી સાથ એ તો આવશે છેલ્લો હિમાળો ગાળવા,
ને બાળવા બધ્ધું જમા-ઉધારનામું;
ઓ દયાળુ, એક બટકું ફેંકજો એને અહીંથી ટાળવા.
ગડબડ બધી આ સાંભળી શું લાકડી લઈ આવતા રે આપ?

ઓ માબાપ,
અહીં એક્કેય કૂતરો ક્યાંય પણ ભસતો નથી.
એ તો અહીં મુજ પેટની અંદર વસી
જે ડાઘિયો મારી નજરથી ભીંત સામે તાકતો
તેના નકામા ભારને વ્હેતો ઊભો બેવડ વળી — હું તો
તમારા બંગલાની બહાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસી.
માલેક, હું હસતો નથી.

ચામાચીડિયું
अ (શેઠ સાથ વાત — સાવ ખાનગી)
મજૂર આ બધા
ગણાય સાવ કૂતરા ગધા!
શું કામ શેઠ, આપ એમના થકી ડરી રહ્યા,
જે ભલા,
એંઠ ખાઈ ખાઈ પેટ એમનું ભરી રહ્યા?
આપના પ્રભાવથી ઊભી રહી છ મિલ આ,
આપનું જ સ્વપ્ન એ—
(એ બલા,
હું જ એક માત્ર એ વિષે વિમાસતો હજી)
—હજી લગી રહ્યો ભજી.
એ જ સ્વપ્નને સહર્ષ હું ગ્રહું,
પછી મજૂરની સમક્ષ હું કહું,
પરંતુ એક વાત છે —
(પગારની... કહું?)
મહેરબાની રાખજો, હમેશ સત્ય સાથ છે.
ब (મજૂર સાથ વાત — જે ન ખાનગી)
ભાઈઓ કહું છ તે બધા સુણે,
સમગ્રના ભલી વિષે!
આજ આપણો કસોટીકાળ આવતો દીસે
ચારકોર ખાઉનો જ હાઉ ભીંસતો ધૂણે,
છતાં ય બેઉ બાહુથી પ્રયત્ન જો તમે કરો,
તો જ માર્ગ થાય;
ને નિરાંત જીવથી પસાર કાળ થાય.
પ્રશ્ન જે વડે તમે મુંઝાઓ છો
(પગારને વધારશો?)
એ જ પ્રશ્ન માહરો
છતાં વિચાર તો કરો,
મિલનો નફો બધો ય ઊંટની જ કોથળી —
(કેમ કાઢવી?
હું જ એક માત્ર એ વિષે વિમાસતો હજી)
—કાપશો પછી કદી ટકી શકે ય ઊંટ શું?
કહો વળી,
હાથથી કદી ય સત્ય છોડશું?
क (જાત સાથ વાત, ઘેર એકલાં)
જન્મથી પશુ છતાંય
હાથ બે હલાવી, પાંખ બે બતાવી
પક્ષી ક્‌હેવરાવવા ઘણું મથ્યું;
પછી વ્હીલે મુખે
સમાસ જાતનો નહીં કશે થતાં
અવાવરા સ્થળે અશાંતિ લઈ જતું રહ્યું
એ જ તે અશાંતિ આજ
અસ્તવ્યસ્ત ઘર મહીં હું રાત્રિમાં અનુભવું.

ઊંટ
(એક ઊંચી ટેકરીપે)
હું તો કહું તમે બધાં સુખી રહો.
જુવો, ધીરે ધીરે પડે આકાશેથી મેઘધાર
જેને ગણું બ્રહ્માની જ મહેર;
દાઢ મારી સળકે છે, રસ છૂટે શતધાર
ચારેકોર જોઈ લીલાલહેર.
શાને કાજે કોઈ ભાઈ દુઃખી રહો?
મારી વાત કહું તો તે આવી છેઃ
બ્રહ્માની આ સૃષ્ટિ મહીં, ઘણું ઘણું તપ કરી,
કષ્ટ સહી વરદાન મેળવ્યું;
બ્રહ્માને મેં કહ્યું, ‘મારી ડોકને લંબાવી આપો,
જોજન સો મારા માટે ચાલશે!’
જુવો લાંબી ડોક મારી કેવી મેં લંબાવી છે.
એક ઊંચી ટેકરીપે, અહીં જ્યાં હું બેઠો છું,
ત્યાંથી ચારો ચરું છું;
કોઈ વાર નીચે બધાં દુઃખી પશુ જોઈને હું દ્રવું છું,
એમના ઉદ્ધાર માટે પ્રાર્થના હું કરું છું.
તમને હું કહું છું રે કહું છું,
‘તમે પણ કષ્ટ સહો, કષ્ટ સહો!’
મારે કશું દુઃખ નથી
માત્ર કોઈ કોઈ વાર, દૂર નીચે ફરતાં
નાનાં નાનાં હરણાંને ઠેકી ઠેકી ચરતાં
હું જોઉં છું —
ત્યારે મને થાય છે કે નાનો આવો દેહ
મેં જો માગ્યો હોત...
ના, ના, નથી માગ્યો એ જ સુખ છે.
જુઓ પેલા ઝાડ નીચે
ઠંડી મહીં ધ્રૂજતા એ દેહ મહીં દુઃખ છે.
આજે વરસાદ બંધ થતો નથી.
ઇચ્છા મારી એમ છે કે અહીંથી હું ઊતરું,
કિંતુ મારું પેટ હવે વધી ગયું એટલું
કે અહીંથી હું ગબડું —
તો નીચે મારા ફોદેફોદા ખાય કાલ કૂતરું.
બ્રહ્માને આ સૂઝ્યું કેમ?
તોફાન તો મોકલ્યું છે પ્રલયની જેમ.
માથું મારું બચી જાય તોય ઘણું સારું...
(ગુફામાં હું રાખું?) વારુ, એ જ છે ઉપાય,
જોઈ ગુફા; પણ એનું નાનું એવું બાકું
જાણેસોયનું જ નાકું,
ત્યાં હું નાખું કેમ મારું મોટું માથું?
તોય ધીરે ધીરે મારાં આંખ, હોઠ, જડબાં ને તાળવાં
જો બચી જાય,
તો કશોય ભય નથી
મારું હવે ઠંડી-વરસાદ સામે ઝૂઝવાનું વય નથી.
નાખું ત્યારે!
(થોડી વારે ગુફામાંથી)
બચાવો, બચાવો, મને ફાડી ખાય, ભૂખ્યાં ડાંસ શિયાળવાં...

૧૯૫૫
(સાયુજ્ય, પૃ. ૧૪-૧૮)