કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૩. એનાં એ જ
Jump to navigation
Jump to search
૧૩. એનાં એ જ
હજી વરસાદ એનો એ જ છે.
ધરતી તરફ ધસતું ત્વરાથી, આભથી
અંધાર ચીરતું વીજનું જે તેજ,
એ પણ એ જ છે.
ચારે તરફથી વીંટળાતી આ હવા
મૃત સૈનિકોનાં લોહીની બદબૂ સહિત
ધરતી નીચેનાં મૂળ ને નવ અંકુરોની પ્યાસ
ખેંચી લાવતી
એણે કહેલી વીજના ચમકાર જેવી વાત
એની એ જ છે.
અષ્ટદશ અક્ષૌહિણી શબ પર હતો
અંધાર આનો આ જ;
કુંતીપુત્રના અર્ઘ્યે નીપજતી શોકધારા
લોહીથી લદબદ થતી ધરીત ઉપર
ટીપે ટીપે, ભળતી જતી, ઢળતી જતી;
મધ્યે કુરુક્ષેત્રે અચાનક
સ્હેજ ધરતી ઊઘડતાં
જાણે નવાં ફૂલ ફૂટતાં
ટિટોડીનાં સૌ શ્વેત બચ્ચાં
પાંખ, ભય ખંખેરતાં, પ્રસરી રહીને
ગીધ સમળીનો સમૂહ વીંધી જતાં
ચુપકીદીથી ઊડી ગયાં!
આજે હજી અંધાર ને વરસાદ
સાથે તેજ, એનાં એ જ છે.
૧૯૫૬
(સાયુજ્ય, પૃ. ૨૧-૨૨)