કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૧. મા જ્યારે વૈકુંઠ જશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧. મા જ્યારે વૈકુંઠ જશે

જગતના પરિતાપમાં ડૂબેલી
માને
વહેલી સવારે ઉત્તરના દેવ
એનું વામ અંગ સ્પર્શી કહેશે,
“ચાલો મા, સમય થયો!”
સ્હેજ ભ્રૂકુટીભંગે, તીરછી નજરે
દેવને વધાવી મા કહેશે,
“હા, હવે જ નિદ્રા, ગોવિંદ,
ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
ઉત્તરના દેવ નામોચ્ચારથી
છંટકાઈ, પવિત્ર થઈ, ખમચાઈ
હોઠમાંથી ફૂટતી વાચાથકી પ્રાણે,
પ્રાણથકી મને, મનથકી આત્મચૈતન્યે
પ્રવેશતા ગોવિંદને
પ્રણમી, દૂર ઊભા રહી
આપોઆપ સાથેસાથ બોલશે,
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
પછી ખીલશે ફૂલ, વાશે વાયુ,
વહેશે સુગંધ;
જે સુગંધે
માનાં બાળકો પંખીઓની જેમ
ઊડતાં, પાંખ પસારતાં, કિલકિલાટ કરતાં
આવી મળશે માની યાત્રામાં;
યાત્રિક સૌ ગાશે,
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
જે નહિ આવે,
તે જ્વાળાએ જ્વાળાએ ઝીલશે,
શ્વાસ-નિઃશ્વાસે ગુંજશે, એક માત્ર ગીતઃ
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
વૈકુંઠના સીમાડા ઉપરથી,
ચાલી આવતી, ચપટી વગાડતી,
આજુબાજુ જોતી, કંઈક સાંભળતી,
કંઈક હસતી, કંઈક રોતી મા
અચાનક થંભી ઝૂકી જશે,
મંદિરદ્વાર આગળ ઊભેલા,
વર્ષોથી રાહ જોઈ રહેલા,
શ્વેત વસ્ત્ર પહેરેલા,
સ્વામીના ચરણમાં—
ઝૂકતી માનો હાથ પકડી લઈ
પિતા બોલશે, “આવ! દેવી, આવ!”
મા સ્હેજ હસી બોલશે,
“હરિ હરિ બોલ, બોલ હરિ બોલ,
મુકુંદ, માધવ, ગોવિંદ બોલ!”
પિતા વધુ હસી બોલશે,
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
વૈકુંઠના ગર્ભદ્વારે
માતાપિતાનાં પગલાં સંભળાશે,
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

(માનો વૈકુંઠવાસઃ ૨૮ ઑગસ્ટ ’૬૭)
૨૯ ઑગસ્ટ ’૬૭, અડિસ અબાબા

(સાયુજ્ય, પૃ. ૪૦-૪૨)