કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૨. યશોદા-રીતિ
Jump to navigation
Jump to search
વહાલા, તને બાંધવા
મારાં શબ્દસૂત્ર ટૂંકાં પડે.
જેમ જેમ વધારતો જાઉં
તેમ તેમ ઓછાં પડે.
અકળામણ વધે,
રોષભાવ ઊમટે,
મન આમતેમ દોડે
હૃદય અધીર ઊછળે.
હૃદય-મનને સીમાડે
તું ઊભો હસે.
હે ગોપાલ, મારા લાલ
પ્રાણોના પ્રાણ, વાણીના વહાલ,
તને બાંધવા, બંધાઉં છું હુંઃ
જનમોજનમ તારો દાસ હું,
તારો દાસ
તારો હું.
૯-૯-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૧૪)