કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૨.અમે અંધારું શણગાર્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨.અમે અંધારું શણગાર્યું

પ્રહ્લાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું...
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું;

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું...

થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં :
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને યે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું...
(બારી બહાર, પૃ. ૭૬)