કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૨. આવશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨. આવશે

પ્રહ્લાદ પારેખ

ઊંચે ઊંચે તારકના પલકાર,
નીચે મારા હૈયાના થડકાર;
તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર.

ધીમા ધીમા વાજો આજ સમીર,
સાગર-વીરા ! લેજે આઘાં નીર :
મારો રે આવે છે વા’લમ, હૈયા કેરો હીર.

નીંદર-બે’ની, ઘેરીશ ના એ નેન,
નહીં દેશો, ફૂલો, સુરભિ-ઘેન :
મારા રે વાલ’મને આવવા દેજો રે’તાં રેન.

મારા હૈયે કરિયા લાંબા હાથ,
આવીને એ પૂરી કરશે બાથ;
તેની વચ્ચે મૂંગો મૂંગો વ્હેશે પ્રેમ અતાગ.
(બારી બહાર, પૃ. ૧૦૫)